સૌથી વધુ હથિયાર આયાત કરતું ભારત હવે નિકાસના રસ્તે, કયા દેશોમાં છે Made in India ની ડિમાન્ડ ?
- કેવી રીતે ભારતે હથિયાર નિકાસ કરવાની તૈયારી કરી
- ક્યા દેશોમાં ભારતીય હથિયારોની ડિમાન્ડ છે
- નિકાસની દિશામાં શું છે ભારતની આગામી સમયની સ્થિતિ ?
આજથી રાજ્યમાં એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એકસ્પો યોજાઈ રહ્યો છે. આ સમયે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશમાં હથિયારોનું સૌથી મોટું ઉત્પાદન હબ બની રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છેકે સૌથી વધુ હથિયારોની ખરીદી કરવામાં ચીન પછીના ક્રમે આવતું ભારત હવે વિશ્વને હથિયારો વેચવાની તૈયારીમાં છે.
ક્યાંથી અને કેવી રીતે થઈ તૈયારીઓ ?
વર્ષ 2015 થી શરૂ થયેલા મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત બાદ હવે મેક ફૉર વર્લ્ડ અભિયાન ચલાવીને ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની સાથે અનેક દેશોમાં સ્વદેશી હથિયાર વેચવાની શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી છે. જેના માટેનો સૌથી વિશાળ પ્લેટફોર્મ ડિફેન્સ એક્સ્પોમાં છે. જેમાં જલ,થલ અને વાયુ ત્રણેય ક્ષેત્રનું પ્રદર્શન ભારતીય કંપીનઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : પાલનપુર : રૂ. 1000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર ડીસા એરબેઝનું આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમૂર્હત
નોંધનીય બાબત એ છેકે ભારતે નાના હથિયારો માટે પોતાનું માર્કેટ તૈયાર કરી લીધું છે. જેમાં ફીલ્ડ ગન, ટેન્કનો સામાન, હથિયારોના પાર્ટ્સ, આર્મ્ડ વ્હીકલ, નાના હથિયાર, રોકેટ લોન્ચર, પિનાકા મલ્ટી બેરલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક વોરફેરનો સામાન, રડાર, એચએએલમાં તૈયાર એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (એલસીએચ), નાના અને મધ્યમ ડ્રોન અથવા યુએવી, તેજસ ફાઇટર અને બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ જેવા હથિયારો સામેલ છે.
આ ઉપરાંત ફિલિપાઇન્સને દેશની સૌથી મહત્વની બ્રહ્મોસ મિસાઇલ વેચવાની તૈયારી કરી હતી. ઈજિપ્ત અને મલેશિયાએ ફાઈટર જેટ તેજસ ખરીદવા માટેના પ્રયાસો તેજ કર્યા હતા. વિયેટનામ અને મોરેશિયસને ભારત હેલિકોપ્ટર વેચી ચૂક્યું છે. હવે આ દેશ પણ ખરીદવા માટે ઈચ્છુક છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પહેલેથી જ ડિફેન્સની સપ્લાય ચેઇનને અસર પહોંચી છે. આ સ્થિતિમાં ભારત પોતાનું માર્કેટ વિકસિત કરી લેશે.
ક્યા દેશોમાં છે સૌથી વધુ ડિમાન્ડ ?
ભારત માટે સૌથી મોટું માર્કેટ આફ્રિકાના દેશો પર છે. જેના માટે જ એકસ્પોમાં ભાગ લેવા માટે આવી રહેલા દેશોમાં 75 માંથી 40 આફ્રિકન દેશોના પ્રતિનિધિ છે. જેમાં 20 સંરક્ષણ મંત્રી, 7 ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને વર્તમાન સૈન્ય વડા સામેલ છે. આ ઉપરાંત મિડલ ઇસ્ટ, ગલ્ફના નાના દેશોમાં જમીની લડાઈ માટેના હથિયાર, એરો સ્પેસ, ગુડ્સ સર્વિસ આપવાનું પ્લાનિંગ છે. ભારતીય કંપનીઓના પેવેલિયન પર ઘણા દેશોના સૈન્ય પ્રતિનિધિનું જૂથ પહોંચ્યું હતું.
તેમજ L&T દ્વારા બનાવવામાં આવી રહેલી ટેન્કોની પણ ડિમાન્ડ વધી રહી છે. જેનો ભારતીય સેનામાં સમાવેશ થઈ ચુક્યો છે. જેમાં પણ તેની રેન્જનું સતત અપગ્રેડ થઈ રહી છે. આ ઉપરાંત હિન્દુજા ગ્રુપની અશોક લેલેન્ડનું નાનું બુલેટ પ્રૂફ વ્હીકલ ઉપરાંત હેવી વ્હીકલ તૈયારની સાથે ઈન્ડિયન એરફોર્સના વાહન તૈયાર કરી રહ્યું છે. જેની બાંગ્લાદેશ જેવા દેશો ખરીદી માટે તૈયાર છે.