આંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈનોવેશન રેન્કિંગમાં ભારતે 40મો ક્રમ જાળવી રાખ્યો, સ્વિટઝરલેન્ડ પ્રથમ ક્રમે

  • યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ટોચના પાંચ દેશમાં ભારતનું સ્થાન
  • ઓછી આવક ધરાવતા 37 દેશોના જૂથમાં ભારત સૌથી ટોચ ઉપર

નવી દિલ્હીઃ ઈનોવેશન રેન્કિંગ અંગે જાહેર થયેલા તાજા અહેવાલ અનુસાર ભારત 40મા ક્રમે છે અને તેણે આ સ્થાન છેલ્લા ઘણા વર્ષથી જાળવી રાખ્યું છે. વર્લ્ડ ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા જારી ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (GII) 2023 અનુસાર સ્ટાર્ટઅપ યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતે ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ઓછી આવક ધરાવતા 37 દેશોના જૂથમાં ભારત પ્રથમ સ્થાને છે. અર્થાત આ 37 દેશોમાં ઈનોવેશનની બાબતમાં ભારત પ્રથમ ક્રમે છે.

ભારતે 40મું સ્થાન જાળવી રાખ્યું છે અને સતત 13મા વર્ષે ઈનોવેશનના ક્ષેત્રમાં તેણે અપેક્ષા કરતાં વધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, તેમ આ રેન્કિંગનો અહેવાલ જારી કરનાર GII ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં ટોચના પાંચ દેશોમાં પ્રથમ ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે, જેણે સતત 13મા વર્ષે આ ક્રમ જાળવી રાખ્યો છે. ત્યારબાદ સ્વીડન બીજા ક્રમે, અમેરિકા ત્રીજા ક્રમે આવે છે. બ્રિટન અને સિંગાપોરે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે ઈનોવેશનની યાદીમાં સ્થાન મેળવ્યું છે. મધ્યમ આવકજૂથમાં ટોચ ઉપર આવતું ચીન ઈનોવેશનની આ વૈશ્વિક યાદીમાં 12મા સ્થાને તથા જાપાન 13મા સ્થાને છે.

અહેવાલ અનુસાર ભારત કેટલાક ચાવીરૂપ ક્ષેત્રમાં ટોચના દેશોની યાદીમાં સ્થાન મેળવે છે, જેમ કે આઈસીટી સર્વિસ એક્સપોર્ટ્સમાં ભારત પાંચમાં સ્થાને, વીસી રિસિવ્ડમાં છઠ્ઠા સ્થાને, વિજ્ઞાન તથા એન્જિનિયરિંગમાં સ્નાતકોની સંખ્યામાં 11મા સ્થાને તથા વૈશ્વિક કૉર્પોરેટ આર એન્ડ ડી રોકાણકારોમાં 13મું સ્થાન ધરાવે છે.

દુનિયામાં યુનિકોર્નનો 80 ટકા હિસ્સો ભારત સહિત માત્ર પાંચ દેશો પાસે છે, જેમાં અમેરિકા (54 ટકા), ચીન (14 ટકા), ભારત (6 ટકા), બ્રિટન (4 ટકા) અને જર્મની (2 ટકા)નો સમાવેશ થાય છે.

જીઆઈઆઈ દુનિયાના 132 દેશોની ઈનોવેશન ઈકોસિસ્ટમની કામગીરી તથા વર્તમાન સમયમાં સંશોધન ક્ષેત્રે ચાલી રહેલા ટ્રેન્ડની સમીક્ષા કરે છે અને તેનો અહેવાલ બહાર પાડે છે. અગાઉ 2015માં ભારત આ યાદીમાં છેક 81મા સ્થાને હતું અને ત્યારપછી ઈનોવેશન ક્રમાંકમાં હરણફાળ ભરી અને છેલ્લા આઠ વર્ષથી દેશ 40મા સ્થાને છે, જે આ વર્ષે પણ જાળવી રાખ્યું છે.

તાજા જીઆઈઆઈ રેન્કિંગ અંગે પ્રતિભાવ આપતા ભારતના નિતિ આયોગે કહ્યું કે, “જીઆઈઆઈ રેન્કિંગમાં સતત સુધારો થવાનું કારણ એ છે કે, આપણી પાસે જ્ઞાનની અપાર મૂડી છે, વાયબ્રન્ટ સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ છે તથા સરકારી તેમજ ખાનગી સંશોધન એકમોએ અસાધારણ કામગીરી કરી છે. કોવિડને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ સામે લડવા ઈનોવેશન જ આપણા માટે સૌથી મજબૂત સાધન છે અને તેને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ દ્વારા સૌથી વધુ બળ મળે છે.”

આ રેન્કિંગમાં જે અન્ય પાસાંમાં ભારતે સારું પ્રદર્શન કર્યું છે તેમાં, વેપારના સંદર્ભમાં સાંસ્કૃતિક અને રચનાત્મક સેવાઓની નિકાસ (18મો ક્રમાંક), અમૂર્ત એસેટ ઈન્ટેન્સિટી (8મો ક્રમાંક) તથા સર્વગ્રાહી બજાર સુધારણા (20મો ક્રમાંક)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ આજથી 23 ઓગસ્ટને નેશનલ સ્પેશ ડે તરીકે ઉજવામાં આવશેઃ પીએમ 

Back to top button