ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડિયન નાગરિકો માટે ભારતે ફરી શરૂ કરી ઈ-વિઝા સેવાઓ, સંબંધો સુધરશે

Text To Speech
  • ભારતે કેનેડિયન નાગરિકો માટે ફરીથી ઈ-વિઝા સેવાઓ શરૂ કરી છે. ભારતે કરેલી ઈ-વિઝા સેવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને કેનેડા વચ્ચે નવા સંબંધોની શરૂઆત થશે.

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચેના બગડેલા સંબંધો હવે ફરી સુધરે તેવું લાગી રહ્યું છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે બંધ કરેલી ઈ-વિઝા સેવા આજથી ફરી શરૂ કરી છે. આ માહિતી સુત્રો દ્વારા પ્રકાશમાં આવી છે. સપ્ટેમ્બરમાં ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે બંને દેશોના રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. જે બાદ ભારતે કેનેડા માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી દીધી હતી.

તમામ વિઝા સેવાઓ શરૂ

સરકારના આ નિર્ણય બાદ કેનેડાના નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સેવાઓ શરૂ થઈ ગઈ છે. આમાં ટુરિસ્ટ વિઝા પણ સામેલ છે. આ ઉપરાંત એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા પણ શરૂ કરવામાં આવ્યા છે.  કેનેડામાં ઘણા ભારતીયો રહે છે, જેમણે હવે કેનેડાની નાગરિકતા લીધી છે. આવી સ્થિતિમાં, જો તેમની પાસે OCI કાર્ડ નથી, તો તેમણે વિઝા લઈને જ ભારત આવવું પડશે. આ સિવાય ઘણા કેનેડિયન નાગરિકો પણ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવે છે.

ભારત અને કેનેડા વચ્ચે કેમ થયો હતો વિવાદ ?

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ હત્યા માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે આ હત્યામાં તેમનો હાથ છે. જોકે, ભારતે આ આરોપને સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો.

ભારતે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો

નોંધનીય છે કે ભારત-કેનેડા વિવાદ બાદ પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પહેલીવાર મળવા જઈ રહ્યા છે. બંને નેતાઓની આ મુલાકાત G-20ની વર્ચ્યુઅલ સમિટમાં થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મીટિંગ પહેલા જ ભારતનાં આ પગલાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે તેમણે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. 21 સપ્ટેમ્બરે ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો: કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હિન્દુ મંદિરને નિશાન બનાવવાની ધમકી,સાંસદ દ્વારા કાર્યવાહીની માંગ

Back to top button