રોહિતે તોડ્યો ધોનીનો રેકોર્ડ, એક વર્ષમાં ભારત માટે T20Iમાં સૌથી વધુ મેચ જીતનાર બન્યો કેપ્ટન
સાઉથ આફ્રિકા સામે 3 T20 શ્રેણીની પ્રથમ મેચમાં રોહિત શર્માની ટોપ ક્લાસ કેપ્ટનશિપ જોવા મળી અને તેણે 2022માં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેની 16મી જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતીય ટીમની બોલિંગ સામે પ્રોટિયાસની બેટિંગ લાઇનઅપ ઘૂંટણે બેસી ગઈ થઈ હતી. તે માત્ર 106 રન બનાવી શકી હતી. જવાબમાં ટીમ ઇન્ડિયાએ સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
રોહિતે તોડ્યો ધોનીનો રેકોર્ડ
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને તેનો 16મો વિજય નોંધાવ્યો હતો. આ જીત સાથે રોહિત શર્મા એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન રોહિત શર્મા પહેલા એમએસ ધોની હતા. ધોનીએ વર્ષ 2016માં 15 ટી20 ઈન્ટરનેશનલ મેચ જીતી હતી. પરંતુ રોહિતે 16 મેચ જીતીને તેમને પાછળ છોડી દીધા હતા.
ટી-20માં એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન
16 જીત – રોહિત શર્મા (2022)
15 જીત – એમએસ ધોની (2016)
તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રોટીઝને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બોલિંગ કરીને અર્શદીપ સિંહ (3 વિકેટ) અને દીપક ચહર (2 વિકેટ)ની શાનદાર બોલિંગના દમ પર દક્ષિણ આફ્રિકાને 106 રનમાં રોકી દીધું હતું. આ પછી ભારતે કેએલ રાહુલના અણનમ 51 અને સૂર્યકુમાર યાદવના અણનમ 50 રનના આધારે મેચ જીતી લીધી હતી. આ મેચમાં રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયો હતો જ્યારે કોહલી પણ માત્ર 2 રન બનાવી શક્યો હતો. અર્શદીપ સિંહને તેની શાનદાર બોલિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.