વરસાદના કારણે ભારત- ન્યૂઝીલેન્ડની વોર્મ-અપ મેચ રદ્દ : હવે પાકિસ્તાન સામેની મેચમાં વરસાદનો ખતરો
બ્રિસ્બેનમાં સતત વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રેક્ટિસ મેચ રદ્દ કરવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પ્રથમ વોર્મ-અપ મેચમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં એવા ખેલાડીઓને તક આપવા જઈ રહી હતી જેઓ પ્રથમ મેચ નહોતા રમી શક્યા. પરંતુ વરસાદને કારણે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં એક બોલ પણ રમાયો ન હતો. ભારતીય ટીમ તેની આગામી મેચ પાકિસ્તાન સામે રમશે, પરંતુ આજે વરસાદને કારણે મેચ ધોવાતા હવે આગામી મેચને લઈને વરસાદની ચિંતા વધી છે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે ? જાણો શું છે કારણ ?
ભારતીય ટીમ હવે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચમાં ઉતરશે. ભારતની આ પ્રથમ મેચ હશે. 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને 10 વિકેટે હાર આપી હતી. હવે ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 22 ઓક્ટોબરે સિડનીમાં રમશે.
આ કારણે મેચ રદ્દ થઈ શકે છે
વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચને ક્રિકેટ જગતમાં સૌથી મોટી રાઈવલરી માનવામાં આવે છે, તેથી જ તમામ ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બંને ટીમો વચ્ચેની મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે,પરંતુ આ મેચ થવાની શક્યતા ઓછી છે. સમાચાર આવ્યાં છે કે આ મેચ વરસાદને કારણે રદ્દ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 23 ઓક્ટોબરે મેલબોર્નમાં વરસાદ પડી શકે છે. મેલબોર્નમાં 20 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં આ મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા તમામ ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટી શકે છે. હવામાનની આગાહી અનુસાર, 23 ઓક્ટોબરે વરસાદની 60% શક્યતા છે.
મેચ રદ્દ થાય તો શું થશે
ભારે વરસાદને લીધે જો આ મેચ રદ થાય છે તો બંને ટીમને 1-1 અંક મળશે. આઇસીસીએ આ સંબંધિત નિર્દેશન પહેલાં જ જાહેર કરી ચૂકી છે. ખાસ વાત તો એ છે કે સુપર 12 સ્ટેજની મેચો માટે કોઇ રિઝર્વ ડે પણ ફાળવવામાં આવ્યો નથી. તેથી રદ થયેલ મેચ બીજા દિવસે રમવાનું પણ શક્ય બનશે નહીં.