ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષના લાંબા અંતરાલ બાદ FTA વાટાઘાટનો પ્રારંભ


નવી દિલ્હી, 17 માર્ચ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ જેટલા લાંબા અંતરાલ બાદ આર્થિક જોડાણોને પ્રોત્સાહન આપવા માટે સૂચિત મુક્ત વેપાર સંધિ – FTA પર વાતચીત ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. હાલમાં ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતને પગલે આ ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ અને ન્યુઝીલેન્ડની વેપાર અને રોકાણકાર પ્રધાન મેકક્લે વચ્ચે પણ એક બેઠક યોજાઇ હતી.
વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે સપ્લાટ-ચેઇન સંકલન અને માર્કેટ ઍક્સેસમાં સુધારો કરતા સંતુલિત પરિણામો હાંસલ કરવાનો ભારત-ન્યુઝીલેન્ડ FTA વાટાઘાટોનો હેતુ છે.
ગોયલે ‘X’ પર ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે બન્ને વચ્ચેના વેપારમાં સતત વૃદ્ધિ થઇ રહી છે અને એપ્રિલ-જાન્યુઆરી 2025 સુધીમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર 1 અબજ ડોલરના સ્તરને વટાવી ગયો છે, ત્યારે FTA વાટાઘાટાનો હેતુ કારોબારના નવા પરિમાણો અને ઉપભોક્તાઓ શોધવાનો, પરસ્પર વૃદ્ધિનું સંવર્ધન કરવાનો અને બન્ને રાષ્ટ્રોની સમૃદ્ધિનો છે.
બન્ને દેશો વચ્ચે FTA પર હસ્તાક્ષર કરવાનો આ બીજો પ્રયાસ છે. પ્રથમ પ્રયાસ 2010 થી 2015માં કરાયો હતો. તે સમયગાળા દરમિયાન, ચર્ચાના 10 રાઉન્ડ થયા હતા. ભારતીય ડેરી બજારોમાં પ્રવેશ મેળવવા માટે ન્યુઝીલેન્ડની માંગ એ મુખ્ય મુદ્દાઓ પૈકી એક છે. ડેરી, કૃષિની સાથે, વાટાઘાટો માટે સૌથી સંવેદનશીલ ક્ષેત્ર છે. ભારતે અત્યાર સુધી જે FTA પર હસ્તાક્ષર કર્યા નથી, ત્યારે હવે ડેરી સેક્ટર ખોલવા માટે સંમત થયુ છે.
નોંધનીય છે કે ભારતમાં યોજાઇ રહેલા રાયસીના ડાયલોગનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવાના છે. જેમાં 125 દેશોના પ્રતનિધિઓ ભાગ લેશે. જેમાં ન્યુઝીલેન્ડના વડાપ્રધન ક્રિસ્ટોફર લક્સન, અમેરિકાની નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગાબાર્ડ, યુર્કેનના વિદેશ મંત્રી આંદ્રી સાઇબીહા પણ સામેલ થનાર છે.
આ પણ વાંચોઃ ભારત-ચીનના વેપારમાં છેલ્લા ક્વાર્ટરમાં વૃદ્ધિ, અનેક વિકસિત દેશોમાં વેપાર સંકોચાયો