ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત-માલદીવ વચ્ચે આજે ભારતીય સૈન્યની હાજરી અંગે બીજી કોર ગ્રુપની બેઠક

  • ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની પ્રથમ બેઠક 14 જાન્યુઆરીના રોજ માલેમાં યોજાઈ હતી

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: ભારત અને માલદીવ વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં બીજી કોર ગ્રુપની બેઠક યોજશે. જેમાં માલદીવ્સ ટાપુ પર ભારતીય સૈન્યની હાજરી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. માલદીવ અને ભારત વચ્ચે ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની પ્રથમ બેઠક 14 જાન્યુઆરીના રોજ માલદીવના માલેમાં યોજાઈ હતી. માલદીવના વિદેશ મંત્રાલયે પ્રથમ કોર ગ્રુપની બેઠક બાદ જણાવ્યું હતું કે, “ ભારત અને માલદીવ બંને માલદીવ્સમાંથી ભારતીય સૈન્યના કર્મચારીઓને ઝડપથી પાછા ખેંચવા પર સંમત થયા છે.”

માલદીવના વિદેશ મંત્રાલયે પ્રથમ કોર બેઠક બાદ શું જણાવ્યું ?

માલદીવના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “માલદીવના વિદેશ મંત્રાલયમાં આયોજિત બેઠક દરમિયાન, બંને પક્ષોએ હાલના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. વિકાસ સહકાર સહિત પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, બંને પક્ષોએ સહકારને વધુ તીવ્ર બનાવવાની ઈચ્છા દર્શાવી અને ભારતીય સૈન્ય કર્મચારીઓને ઝડપથી પાછા ખેંચવા માટે સંમત થયા છે. તે વાત પર પણ સહમત થયાં હતા કે ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બીજી બેઠક પરસ્પર અનુકૂળ સમયે યોજવામાં આવશે.”

14 જાન્યુઆરીએ, વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, “ભારત અને માલદીવ્સે માલદીવના લોકોને માનવતાવાદી અને તબીબી સ્થળાંતર સેવાઓ પૂરી પાડતા ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન ચાલુ રાખવા માટે પરસ્પર વ્યવહારુ ઉકેલ શોધવાની ચર્ચા કરી હતી.”

ભારતીય સૈનિકોને હટાવવાએ માલદીવના પ્રમુખની પાર્ટીનું મુખ્ય અભિયાન

ભારત અને માલદીવે દ્વિપક્ષીય સહયોગ વધારવા અને ચાલુ પ્રોજેક્ટ્સના અમલીકરણને ઝડપી બનાવવાની પણ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, માલદીવમાં ભારતીય સૈનિકોને હટાવવાએ માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની પાર્ટીનું મુખ્ય અભિયાન હતું. હાલમાં, માલદીવમાં ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે HAL ધ્રુવ હેલિકોપ્ટર સાથે લગભગ 70 ભારતીય સૈનિકો તૈનાત છે.

કાર્યભાર સંભાળ્યાના બીજા દિવસે, માલદીવના પ્રમુખ મુઇઝ્ઝુએ સત્તાવાર રીતે ભારત સરકારને માલદીવમાંથી તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાની વિનંતી કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રમુખ મુઇઝ્ઝુએ દાવો કર્યો હતો કે, ભારત સરકાર સાથે વાતચીત બાદ ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા માટે સહમતી (Agreement) થઈ હતી.

આ પણ જુઓ: મતદાન પહેલા જ હોબાળો: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, જુઓ વીડિયો

Back to top button