આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતીય સૈનિકો પરત ખેંચવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત-માલદિવ્સ સંમત

Text To Speech

નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2024: ભારત અને માલદિવ્સ વચ્ચે વધેલી તંગદિલી વચ્ચે માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ વધુ એક વખત આક્રમકતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. મુઈઝ્ઝુએ ભારતીય સૈન્યને આગામી 15 માર્ચ સુધીમાં પરત બોલાવી લેવા ભારતને મહેતલ આપી છે. દરમિયાન, આજે મોડી સાંજે મળતા અહેવાલ મુજબ ભારત અને માલદિવ્સ વચ્ચે ભારતીય સૈન્ય વહેલામાં વહેલી તકે પરત ખેંચવા માટે સમજૂતી સધાઈ છે તેવો દાવો માલદિવ્સના વિદેશ મંત્રાલયે કર્યો છે.

 

ચીનથી પરત આવેલા મુઈઝ્ઝુએ કહ્યું કે, હું પ્રમુખ બન્યો એ દિવસે જ ભારતને તેના સૈન્ય દળો પરત બોલાવી લેવા જણાવ્યું હતું અને હવે મહેતલ આપું છું કે 15 માર્ચ સુધી આ દળો પરત બોલાવી લેવા.

મુઈઝ્ઝુ જે દિવસે ચીનથી પરત આવ્યા ત્યારે જ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, તેમનો દેશ નાનો છે એ કારણે અન્ય કોઈ દેશ તેમને ડરાવી શકે નહીં. આ સંદર્ભમાં તેમણે ભારતનું નામ તો નહોતું લીધું પરંતુ ઈશારો ભારત તરફ હતો એ દુનિયા જાણે છે.

પ્રમુખ મુઈઝ્ઝુ પહેલેથી ચીન તરફી વલણ ધરાવે છે અને પ્રચાર દરમિયાન પણ તેમણે હંમેશાં ભારત વિરોધી વલણ દાખવ્યું હતું. આ જ કારણે ચૂંટાયા પછી તેમણે પહેલા તુર્કી અને ત્યારબાદ ચીનની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

ચીનની મુલાકાત દરમિયાન માલદિવ્સ અને બીજિંગ વચ્ચે 21 સમજૂતી કરવામાં આવી છે, જેના દ્વારા માલદિવ્સના ઘણાં ક્ષેત્રમાં ચીન મૂડીરોકાણ કરવાનું છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને તેની વિરુદ્ધમાં પ્રમુખ મુઈઝ્ઝુની સરકારના કેટલાક મંત્રીઓએ સોશિયલ મીડિયામાં બેફામ પોસ્ટ મૂકી ત્યારથી બંને દેશની પ્રજા વચ્ચે એક પ્રકારે તંગદિલી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ ચીનની મુલાકાત બાદ માલદીવ પ્રમુખના બદલાયા સૂર

Back to top button