સિડની ટેસ્ટમાં ભારતની 6 વિકેટથી હાર, ઑસ્ટ્રેલિયાએ 3-1થી સીરિઝ જીતી
સિડની, તા.5 જાન્યુઆરી, 2025: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ સિડનીમાં રમાઈ હતી. મેચમાં ભારતનો 6 વિકેટથી પરાજય થયો હતો. ઑસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી જીતી હતી. ભારતે ટેસ્ટ મેચ જીતવા આપેલા 162 રનના લક્ષ્યાંકને 4 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. ઑસ્ટ્રેલિયા તરફથી ખ્વાજાએ 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 તથા મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી. જીત સાથે જ ઑસ્ટ્રેલિયાએ સીરિઝ પર 3-1થી કબજો કર્યો હતો. ભારત સામે ઑસ્ટ્રેલિયાએ 9 વર્ષ બાદ ટેસ્ટ સીરિઝમાં જીત હાંસલ કરી હતી.
આ પહેલા ભારતની બીજી ઈનિંગ 157 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 181 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતને 4 રનની લીડ મળી હતી. જોકે બીજી ઈનિંગમાં પણ ભારતીય બેટ્સમેનોએ કંગાળ દેખાવ કર્યો હતો. પર્થમાં ભારતે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી હતી. જે બાદ એડિલેડ ટેસ્ટ ઑસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી.
A spirited effort from #TeamIndia but it’s Australia who win the 5th Test and seal the series 3-1
Scorecard – https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/xKCIrta5fB
— BCCI (@BCCI) January 5, 2025
ઑસ્ટ્રેલિયા WTCની ફાઇનલમાં
પાંચમી ટેસ્ટમાં જીત સાથે જ ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. WTC ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. 11-15 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લોર્ડ્સમાં રમાશે. ભારતીય ટીમ સતત બે વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પહેલા ન્યૂઝીલેન્ડ અને બીજી વખત ઑસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. ત્રીજી વખત ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, બુમરાહ મેદાન છોડી પહોંચ્યો હૉસ્પિટલ, જૂઓ વીડિયો