ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, ચીનને છોડી દીધું પાછળ
ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. યુનાઈટેડ નેશન્સે પણ આ હકીકતની પુષ્ટિ કરી છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના આંકડાઓ અનુસાર, ભારતની વસ્તી હાલમાં ચીન કરતા 2.9 મિલિયન વધુ છે.
જો કે એ સ્પષ્ટ નથી કે ભારતે વસ્તીના મામલે ચીનને ક્યારે પાછળ છોડી દીધું. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ અનુસાર વિશ્વની વસ્તી હવે 8 અબજને વટાવી ગઈ છે.
ભારતની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 86 લાખઃ UN
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 86 લાખ છે જ્યારે ચીનની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 57 લાખ છે. આ રીતે બંને દેશોની વસ્તીમાં 29 લાખનો તફાવત છે. તમને જણાવી દઈએ કે 1950થી યુનાઈટેડ નેશન્સ જનસંખ્યાના આંકડા રાખે છે અને ત્યારથી આ પહેલીવાર છે જ્યારે ભારતે વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દીધું છે.
ભારતમાં સૌથી વધુ યુવા વસ્તીઃ UN
જો કે, 1980થી ભારતની વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. તેનો મતલબ એ છે કે ભારતની વસ્તી વધી રહી છે, પરંતુ તેનો દર હવે પહેલાની સરખામણીએ ઘટ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતની 25 ટકા વસ્તી 0 થી 14 વર્ષની વચ્ચે છે. આ સિવાય 18 ટકા લોકો 10 થી 19 વર્ષની વયજૂથના છે.
ચીની લોકો ભારતીયો કરતાં લાંબુ જીવે છેઃ UN
10 થી 24 વર્ષની વય જૂથના લોકોની સંખ્યા 26 ટકાની નજીક છે. દેશની 68 ટકા વસ્તી 15 થી 64 વર્ષની વયજૂથની છે. અને 7 ટકા લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે. ચીનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 14 ટકા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનના લોકોનું આયુષ્ય ભારત કરતા વધુ સારું છે. ચીનમાં મહિલાઓનું આયુષ્ય 82 વર્ષ અને પુરુષોનું આયુષ્ય 76 વર્ષ છે. આ સિવાય ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 74 વર્ષ છે જ્યારે પુરુષોની ઉંમર માત્ર 71 વર્ષ છે.