ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાનમાં ઘૂસીને ભારત આતંકીઓને ‘મૃત્યુને ઘાટ’ ઉતારી રહ્યું છે: બ્રિટિશ અખબારનો દાવો

  • આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવાઓને ભારત સરકારે નકારી કાઢ્યા અને તેમને ખોટા ગણાવ્યા 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા છે આદેશ: બ્રિટિશ અખબાર

નવી દિલ્હી, 5 એપ્રિલ: ભારત હવે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનમાં એક પછી એક ‘દુશ્મનો’ ખતમ થઈ રહ્યા છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને આ અંગે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનમાં ઘૂસીને ભારત આતંકીઓને ‘મોતને ઘાટ’ ઉતારી રહ્યું છે. ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓને મારવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે વિદેશી ધરતી પર વસતા આતંકવાદીઓને ખતમ કરવા માટે એક વ્યાપક વ્યૂહરચના બનાવી છે અને એ જ વ્યૂહરચનાનાં ભાગરૂપે પાકિસ્તાનમાં છૂપા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર અધિકારીઓનો દાવો છે કે, 2020થી અત્યાર સુધીમાં 20 હત્યાઓ થઈ છે. જોકે, ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને ખોટા ગણાવ્યા છે.

ધ ગાર્ડિયન પોતાના રિપોર્ટમાં ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને ટાંકીને મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં બંને દેશોના ગુપ્તચર અધિકારીઓની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ દ્વારા શેર કરાયેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)એ 2019ની પુલવામા હુમલાની ઘટના બયાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે બોલ્ડ અભિગમ અપનાવ્યો અને કથિત રીતે વિદેશમાં તેના દુશ્મનોને ખતમ કરવા માટે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુપ્તચર એજન્સી RAW સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા નિયંત્રિત છે. દિલ્હીએ એવા લોકોને નિશાન બનાવવા માટે ઓપરેશન શરૂ કર્યું છે જેને તે ભારતના દુશ્મન માને છે.

કેનેડા અને અમેરિકાએ પણ કર્યા હતા આક્ષેપો 

વોશિંગ્ટન (અમેરિકા) અને ઓટાવા (કેનેડા)એ પણ ભારત પર આક્ષેપો કર્યા હતા. કેનેડાએ તેના(ભારત) પર શીખ આતંકવાદી અને અન્યની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં ભારતની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. એ જ રીતે ગયા વર્ષે અમેરિકાએ પણ ભારત પર બીજા શીખ આતંકવાદીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.

ભારતના દુશ્મનોને પસંદ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે 

દાવા મુજબ, 2020થી, ભારતે પાકિસ્તાનમાં ઝડપી કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 20 લોકો માર્યા ગયા છે. આ પહેલા પણ ભારત આ હત્યાઓ સાથે અનૌપચારિક રીતે જોડાયેલું હતું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ભારતીય જાસૂસી એજન્ટોએ પાકિસ્તાનમાં કથિત કાર્યવાહી અંગે ચર્ચા કરી છે. બ્રિટિશ અખબારનું કહેવું છે કે, આ હત્યાઓમાં RAWની સીધી ભૂમિકા સાથે સંબંધિત દસ્તાવેજો પણ જોવા મળ્યા છે. આરોપોમાં એ પણ ખુલાસો થયો છે કે, ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા શીખ આતંકવાદીઓને પસંદ કરીને ખતમ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને આ ઓપરેશન પાકિસ્તાન અને પશ્ચિમી દેશોમાં પણ ચલાવવામાં આવી રહ્યું છે.

મોટાભાગના સ્લીપર સેલ UAEથી કામ કરે છે

પાકિસ્તાની તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ મૃત્યુ મોટાભાગે સંયુક્ત આરબ અમીરાત (UAE)થી કાર્યરત ભારતીય ગુપ્તચર સ્લીપર સેલ દ્વારા કરવામાં આવે છે. 2023 પછી હત્યાઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, UAEથી કાર્યરત સ્લીપર સેલ સ્થાનિક ગુનેગારો અથવા પાકિસ્તાનના ગરીબોને લાખો રૂપિયાની લાલચ આપીને આ હત્યાઓને અંજામ આપે છે. ગોળીબારને અંજામ આપવા માટે ભારતીય એજન્ટોએ કથિત રીતે જેહાદીઓની ભરતી પણ કરી છે.

પુલવામા હુમલા બાદ ભારત એક્શન મોડમાં આવ્યું

રિપોર્ટ અનુસાર, બે ભારતીય ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર, RAWએ 2019માં પુલવામા હુમલો થયો ત્યારે વિદેશમાં બેઠેલા ભારતના દુશ્મનોને ખતમ કરવાની યોજનાને આગળ ધપાવી હતી. પુલવામામાં એક આત્મઘાતી હુમલાખોરે કાશ્મીરમાં સૈન્ય કાફલાને નિશાન બનાવ્યું હતું, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. વડાપ્રધાન મોદી તે સમયે તેમના બીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી રહ્યા હતા અને હુમલા પછી સત્તામાં પાછા ફર્યા હતા.

દુશ્મનોને મારવા માટે અગાઉથી જ પ્લાન બનાવવામાં આવ્યો હતો

અહેવાલ મુજબ, એક ભારતીય ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે, “પુલવામા પછી, સરકારનો અભિગમ બદલાઈ ગયો છે કે તેઓ દેશની બહાર બેઠેલા દુશ્મનો પર હુમલો કરે અથવા કોઈ ખલેલ પહોંચાડે તે પહેલા તેમને નિશાન બનાવશે. તેમણે કહ્યું કે, અમે હુમલા રોકી શક્યા નથી કારણ કે તેમના સુરક્ષિત આશ્રયસ્થાનો પાકિસ્તાનમાં હતા, તેથી અમારે સ્ત્રોત સુધી પહોંચવું પડ્યું. આવી કામગીરી કરવા માટે સરકારના ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવી જરૂરી છે.”

આ પણ જુઓ: ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુને ફટકારી નોટિસ, 48 કલાકમાં માંગ્યો જવાબ

Back to top button