બનાસકાંઠા : ભારત એક સશક્ત અને મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે : પંકજભાઈ મહેતા
- ડીસામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ દ્વારા બજેટ ચર્ચા યોજાઈ
બનાસકાંઠા 01 ઓગસ્ટ 2024 : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની આગેવાનીમાં કાર્યરત કેન્દ્ર સરકારનું બજેટ સંસદમાં રજુ થઈ ગયેલ છે. જેને સાર્વત્રિક આવકાર મળેલ છે. સામાન્યત: બજેટ અંગે દર વર્ષે અર્થશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવાની પ્રથા ચાલી આવી છે. તે અનુસંધાને ડીસા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમને બજેટ-24 વિષે જણાવ્યું હતું કે, ભારત જેવા મોટા દેશના ભારેખમ બજેટના આંકડાની માયાજાળ કદાચ સામાન્ય માનવીને ન સમજાય પરંતુ દેશનું બજેટ સૌને અસર કરે છે. આ વર્ષનું બજેટ અનેક રીતે અનોખું છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકારનું ગઠન થયા બાદનું આ પ્રથમ બજેટ છે ત્યારે સાચા અર્થમાં દેશને દિશા આપનારૂ આ બજેટ છે.
પત્રકાર પરિષદમાં અર્થશાસ્ત્રના નિષ્ણાત એવા કચ્છ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા બજેટ અંગે વિસ્તૃત ચર્ચા સાથે પત્રકારોને સાચી માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ અગાઉ કોવિડ અને ત્યારબાદ રશિયા-યુકેન યુદ્ધ જેવી કુદરતી અને માનવસર્જિત વિપદા વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થા કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. ત્યારે એક માત્ર ભારતની અર્થવ્યવસ્થા ઉત્તરોત્તર મજબુત બની રહી છે. જેનુ સીધુ પરિણામ આપણી જી.એસ.ટી તથા ઈન્કમટેક્સ આવકના વધતા જતા આંકડા છે. જેના કારણે આપણે કપરા સંજોગોમાં પણ ગરીબ કલ્યાણના કાર્યો જેવા કે, ૮૦ કરોડ જનતાને મફત અનાજ વિતરણ સાથે-સાથે દેશના વિકાસની ગાડીને આપણે દોડાવી શક્યા છીએ. એક સમયે વિશ્વ અર્થવ્યવસ્થાના ક્રમાંકમાં આપણી ગણતરી નીચેના ક્રમાંકમાં થતી હતી તેના બદલે આજે આપણી ગણતરી ઉપલા ક્રમાંકમાં પ્રથમ પાંચમા થવા લાગી છે. આજે ભારત એક સશક્ત અને મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેમાં આપણી મજબૂત બની રહેલ અર્થવ્યવસ્થા પણ મહત્વનો ભાગ ભજવી રહેલ છે.
પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંસભાઈ પ્રજાપતિ, પૂર્વ. સાંસદ દિનેશભાઇ અનાવડીયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા, ભાજપ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાન્ત મંડોરા સહીત મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના પત્રકારમિત્રો પ્રેસ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : આધુનિક ટેકનોલોજીથી પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના ૧૨ ખેડૂતોને સરકાર દ્વારા કરાયા સન્માનિત