સ્પોર્ટસ

ભારત 8મી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં : સેમિફાઇનલમાં થાઇલેન્ડને 74 રનથી હરાવ્યું

Text To Speech

ભારતે ગુરુવારે રમાયેલી મહિલા એશિયા કપની સેમીફાઈનલમાં થાઈલેન્ડને 74 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. થાઈલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. જ્યારે આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ 9 વિકેટે 74 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાનો જીતનો જશ્ન : આફ્રિકાને હરાવ્યા બાદ ડાન્સ કરી કર્યું સેલિબ્રેશન

શેફાલીએ ભારતને અપાવી હતી સારી શરૂઆત 

આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલી ઓપનર શેફાલી વર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. તેણે સ્મૃતિ મંધાના સાથે મળીને પ્રથમ વિકેટ માટે 38 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના 4.2 ઓવરમાં 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે શેફાલીએ ઝડપી ઈનિંગ્સ રમી હતી. તેણે 28 બોલમાં 1 સિક્સ અને 5 ફોરની મદદથી 42 રન બનાવ્યા હતા. બીજી તરફ કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 30 બોલમાં 36 રન બનાવ્યા હતા.

Asia Cup - Hum Dekhenge News

થાઈલેન્ડે કરી નબળી શરૂઆત

149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 74 રન જ બનાવી શકી હતી. થાઈલેન્ડ ટીમની ઓપનર નાનપત કોંચરોએન્કી 7 રન પર જ દીપ્તિ શર્માના બોલ આઉટ થઈ ગઈ હતી. બીજી ઓપનર નથકન ચંથમ પણ 9 બોલમાં 7 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.  થાઈલેન્ડની ટીમ તરફથી સર્વાધિક રન નટય બૂચથમે 29 બોલમાં 21 રન અને નરુઈમોલ ચાઈવાઈએ 41 બોલમાં 21 રન બનાવ્યાં હતા.

ભારત તરફથી દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરી ગાયવાડે 4 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી.

આજે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મેચ : વિજેતા ટીમ ભારત સામે રમશે ફાઇનલ

આજે મહિલા એશિયા કપની બીજી સેમીફાઈનલ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાવવા જઈ રહી છે. આ બંને ટીમમાંથી જે ટીમ જીતશે તે 15 ઓક્ટો, શનિવારે મહિલા ભારતીય ટીમ સાથે ફાઇનલ રમશે. મહિલા એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે તેવી સંભાવના વધુ છે.

Back to top button