ભારતે બ્રાઝિલથી આખલાના વીર્યની કરી આયાત, જાણો કેમ?
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: ભારતે બ્રાઝિલમાંથી આખલાના વીર્યની(Bull semen) આયાત કરી છે. દેશમાં પ્રથમ વખત આખલાના વીર્યના 40 હજાર ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. હવે દેશમાં કૃત્રિમ બીજદાન દ્વારા દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. આ વીર્ય સરકાર હસ્તકની સહકારી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા આયાત કરવામાં આવ્યું છે. આનાથી દેશી ઓલાદોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. છેલ્લા 3-4 વર્ષથી આ અંગે ચર્ચા થઈ રહી હતી, જેમાં હવે સફળતા મળી છે.
ભારત તેના દૂધનું ઉત્પાદન વધારવા માટે સતત કામ કરી રહ્યું છે કારણ કે તેની વધુ વસ્તીને કારણે દૂધનો વપરાશ ખૂબ જ વધારે છે. સરકાર આગામી 10 વર્ષમાં દૂધનું વાર્ષિક ઉત્પાદન 330 મિલિયન ટન સુધી વધારવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર વર્ષ 2034 સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ કરવા માંગે છે. જો કે, ભવિષ્યમાં ભારત વધુ વીર્યની આયાત કરશે તેવું અત્યારે કહી શકાય તેમ નથી.
ભારત સરકારના એક નિવેદન અનુસાર, FY2023માં ભારતે 230.6 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 3.8% વધુ છે અને FY2019 ની સરખામણીમાં, 22.8% નો વધારો થયો છે.
બ્રાઝિલમાં કેટલીક ગાયો 40 લિટર જેટલું દૂધ આપે છે
ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે. આ પછી અમેરિકા અને ચીન આવે છે. વિશ્વ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 24 ટકા છે. વધુ વપરાશને કારણે ભારતે તેની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધુ વધારો કરવાની જરૂર છે. ભારતમાં એક ગાય સરેરાશ 8 લિટર દૂધ આપે છે જે અન્ય દેશોની સરખામણીએ ઘણું ઓછું છે. જ્યારે બ્રાઝિલમાં કેટલીક ગાયો 40 લિટર જેટલું દૂધ આપે છે. જો કે, ત્યાંની ગાયોનું સરેરાશ દૂધ ઉત્પાદન 20-22 લિટર છે.
પશુપાલકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો
બ્રાઝિલના આખલાના વીર્યથી ભારતીય ગાયોની દૂધની ઉપજ 80 લિટર સુધી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2017માં જ બ્રાઝિલથી આખલાના વીર્યની આયાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યો હતો. તેનું કારણ પશુપાલકોનો વાંધો હતો. પશુપાલકોને ડર હતો કે આનાથી ભારતની જાતિઓ માટે જોખમ ઊભું થઈ શકે છે. જો ભારતીય ગાયોની સરેરાશ દૂધ ઉત્પાદન ક્ષમતા બ્રાઝિલની ગાયો જેવી થઈ જાય તો અહીં દૂધ ઉત્પાદનમાં 2-3 ગણો વધારો થશે.
આ પણ વાંચોઃ કબ્રસ્તાન, ગધેડો, રીંગણ જેવાં ચૂંટણી ચિન્હો સાથે નેતાઓ લડી રહ્યા છે ચૂંટણી, જોઈને તમે પણ હસી પડશો