ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારત સાથે દુશ્મની કરનાર માલદીવ આર્થિક સંકટમાં ઘેરાયું, IMFએ આપી ચેતવણી

  • ચીન પાસેથી જંગી લોન લઈ રહેલા માલદીવ પર ઋણ સંકટનું ઉચ્ચ જોખમ મંડરાયું: IMF

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ચીન અંગે માલદીવને મોટી ચેતવણી આપી છે. ભારતથી દૂર જઈ રહેલું માલદીવ ચીન તરફ ઝૂકી રહ્યું છે અને વિકાસ કાર્યોના નામે ચીન તેને મોટી લોનની લાલચ આપી રહ્યું છે. આ અંગે IMFએ બુધવારે ચેતવણી આપતા કહ્યું કે, ચીન પાસેથી જંગી લોન લઈ રહેલા માલદીવ પર ‘ઋણ સંકટ’નું ‘ઉચ્ચ જોખમ’(high risk) મંડરાઈ રહ્યું છે. માલદીવની ચીન તરફી મોહમ્મદ મુઇઝઝૂ સરકાર પોતાના પગ પર કુહાડી મારી રહી છે. ચીન તેની તરફેણ કરવા માટે માલદીવને મોટી લોન આપીને લલચાવી રહ્યું છે.

 

નવેમ્બરમાં ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂ સત્તામાં આવ્યા બાદ ચીને માલદીવને વધુ લોન આપવાનું વચન આપ્યું હતું. પ્રમુખ મુઇઝઝૂ ગયા મહિને ચીનની પાંચ દિવસની મુલાકાતે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે આર્થિક મદદ માટે ચીનનો આભાર પણ માન્યો હતો. IMFએ માલદીવના વિદેશી દેવાની વિગતો આપી નથી પરંતુ કહ્યું છે કે, માલદીવે તાકીદે તેની નીતિ બદલવાની જરૂર છે. દેશની અર્થવ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ, સંગઠને કહ્યું કે, ‘જો નીતિઓમાં મોટા ફેરફારો કરવામાં નહીં આવે તો કુલ રાજકોષીય ખાધ અને સરકારી દેવું વધુ રહેવાની ધારણા છે.’

IMFએ માલદીવને આપી ચેતવણી

માલદીવ હવે ચીનની મદદથી એરપોર્ટનું વિસ્તરણ કરવા જઈ રહ્યું છે અને મુઇઝઝૂ સરકાર પણ હોટલની સંખ્યા વધારવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ IMF માલદીવને ચીનના જંગી દેવા અંગે ચેતવણી આપી રહ્યું છે. IMFએ કહ્યું કે, ‘આગળ શું થશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે અને તેમાં ઘણું જોખમ છે.’

2018 સુધી માલદીવ પર શાસન કરનારા અને પ્રમુખ મુઇઝઝૂના માર્ગદર્શક ગણાતા ભૂતપૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીને બાંધકામ પ્રોજેક્ટ્સ માટે ચીન પાસેથી મોટી લોન લીધી હતી. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં માલદીવ પર ચીનનું દેવું 3 બિલિયન ડોલરને વટાવી ગયું હતું, જે તેના કુલ વિદેશી દેવાના 42% હતું.

માલદીવની અર્થવ્યવસ્થા જંગી દેવામાં ફસાઈ જવાની શક્યતા વધી

હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત માલદીવ તેના સફેદ રેતીના દરિયાકિનારા માટે પ્રખ્યાત છે અને તેની અર્થવ્યવસ્થા મોટાભાગે પર્યટન પર આધારિત છે. દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. આ કારણોસર, કોવિડ દરમિયાન તેની અર્થવ્યવસ્થા અસ્થિર બની ગઈ હતી કારણ કે રોગચાળાને ધ્યાનમાં રાખીને દેશોએ તેમની સરહદો બંધ કરી દીધી હતી. જો કે, હવે માલદીવના પર્યટનમાં સુધારો થયો છે અને અર્થતંત્ર સુધર્યું છે. પરંતુ મુઇઝઝૂ સરકારની ચીન તરફી નીતિઓને કારણે અર્થવ્યવસ્થા જંગી દેવામાં ફસાઈ જવાની શક્યતા વધી ગઈ છે.

માલદીવ ભારતથી અંતર રાખી રહ્યું છે

પ્રમુખ મુઈઝઝૂના નેતૃત્વમાં માલદીવ તેના પરંપરાગત પાડોશી ભારતથી દૂર અને ચીનની નજીક જઈ રહ્યું છે. પ્રમુખ મુઈઝઝૂએ પોતાના ટાપુ પરથી ભારતીય સૈનિકોને પાછા મોકલવાના વચન પર સત્તામાં આવ્યા હતા. તેમણે ભારતને સૈનિકો પાછા ખેંચવા અંગે 10-મે 2024 સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે, તેઓ માલદીવની સૈન્ય ક્ષમતાને મજબૂત કરશે.

આ પણ જુઓ: અધીર રંજન ચૌધરીએ લદ્દાખ અને માલદીવનો મુદ્દો ઉઠાવ્યો તો રક્ષા મંત્રી થયા ગુસ્સે, કહ્યું…

Back to top button