ભારતે UAEને ક્રૂડ ઑઈલની પ્રથમ ચૂકવણી ભારતીય રૂપિયામાં કરી ઈતિહાસ સર્જ્યો
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: ભારતે UAE પાસેથી ખરીદેલા ક્રૂડ ઓઈલ માટે રૂપિયામાં પ્રથમવાર ચૂકવણી કરીને ઈતિહાસ રચ્યો છે. રૂપિયામાં ચુકવણી કરીને ચલણને વૈશ્વિક સ્તરે લઈ જવાની દિશામાં એક પગલું ભર્યું છે. જાહેર ક્ષેત્રની તેલ કંપની ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન (IOC) એ અબુ ધાબી નેશનલ ઑઈલ કંપની (ADNOC) પાસેથી 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે ભારત અન્ય ઑઈલ સપ્લાયર દેશ સાથે પણ સમાન રૂપિયાની ચુકવણીના સોદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો અમલ કરવો એ એક પ્રક્રિયા છે અને તેના હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના બનાવવામાં નથી આવી.
કરાર હેઠળ કરાઈ ભારતીય ચલણમાં ચૂકવણી
ભારત તેની 85 ટકાથી વધુ તેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે. આ માટે મોટા પ્રમાણમાં ડૉલરમાં ચૂકવણી કરવી પડે છે. પરંતુ ગયા વર્ષથી ભારતે તેલની ખરીદી માટે ડૉલરને બદલે રૂપિયામાં ચૂકવણી કરવાની સિસ્ટમ શરૂ કરી છે અને રિઝર્વ બેંકે પણ આ દિશામાં જરૂરી પગલાં લીધા છે. આ દિશામાં ભારતે જુલાઈમાં UAE સાથે રૂપિયામાં ચુકવણી માટે કરાર કર્યો હતો. આ કરારના ભાગરૂપે ભારતે રૂપિયામાં ચુકવણી કરી UAE પાસેથી ક્રૂડ ઑઈલ ખરીદ્યું છે.
અગાઉ રશિયામાં પણ કરાઈ હતી રૂપિયાથી ખરીદી
આ સિવાય અગાઉ રશિયાથી આયાત થતા ક્રૂડ ઓઈલનો અમુક હિસ્સો પણ રૂપિયામાં ચૂકવવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે તેલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરવાથી ખર્ચમાં વધારો ન થાય અને બિઝનેસને કોઈપણ રીતે નુકસાન ન થાય. તેમણે કહ્યું, જ્યાં રકમ મોટી નથી, ત્યાં રૂપિયામાં સોદા પતાવવામાં બહુ સમસ્યા નડશે નહીં. પરંતુ જ્યારે દરેક ક્રૂડ ઓઈલ જહાજની કિંમત લાખો ડૉલર હોય છે, ત્યારે સમસ્યાઓ નડી શકે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ડૉલરની માંગ ઘટાડવામાં મદદ કરશે અને વૈશ્વિક નાણાકીય ઉથલપાથલથી ભારતીય અર્થતંત્રને ઓછી અસર થશે. ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવેલી સંસદીય સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રૂપિયામાં ક્રૂડ ઓઇલનું પેમેન્ટ લેવાની દિશામાં હજુ પણ સારી પ્રગતિ થઈ નથી રહી. આના પર અધિકારીઓએ સ્વીકાર્યું કે નાણાકીય વર્ષ 2022-23માં પણ સ્થિતિ એવી જ રહી હતી પરંતુ આ વર્ષે ક્રૂડ ઑઈલનો થોડો વેપાર રૂપિયામાં થયો છે.
આ પણ વાંચો: ગુજરાતના વિકાસથી UAE પ્રભાવિત, આ ઉદ્યોગોમાં ટૂંક સમયમાં કરશે રોકાણ