ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતની સંરક્ષણ નિકાસ રેકોર્ડ સ્તરે, પ્રથમ વખત રૂ. 21,000 કરોડને પાર

નવી દિલ્હી, 01 એપ્રિલ: સંરક્ષણ ક્ષેત્રે ભારતની નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. દેશે સંરક્ષણ ક્ષેત્રમાં 21,000 કરોડ રૂપિયાની નિકાસ કરીને ઇતિહાસ સર્જ્યો છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અંગે માહિતી આપી છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર ભારતની સંરક્ષણ નિકાસ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી છે અને 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ 21,083 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 32.5%નો વધારો થયો છે.

રાજનાથ સિંહે પોસ્ટ કરીને માહિતી આપી

રાજનાથ સિંહે અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સંરક્ષણ મંત્રાલયે દેશના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને વધારવા માટે ઘણા પગલાં લીધા છે. ખાનગી ક્ષેત્ર અને DPSY સહિત આપણા સંરક્ષણ ઉદ્યોગોએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેમણે સંરક્ષણ નિકાસ ક્ષેત્રના તમામ હિતધારકોને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સંરક્ષણ નિકાસમાં સતત વધારો નોંધાયો

ભારતની સંરક્ષણ નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023માં 16 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ થઈ હતી. મતલબ કે નાણાકીય વર્ષ 2024માં સંરક્ષણ નિકાસમાં રૂ. 5 હજાર કરોડનો વધારો થયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2022માં સંરક્ષણ નિકાસનો આંકડો 13000 કરોડ રૂપિયા જોવા મળ્યો હતો. માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2016-17થી સંરક્ષણ નિકાસમાં 10 ગણાથી વધુનો વધારો થયો છે.

વિશ્વના 85 દેશોમાં નિકાસ કરી

ડિસેમ્બર 2023 ના રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વના 85થી વધુ દેશોમાં નિકાસ કરી રહ્યું છે. ભારતીય ઉદ્યોગે તેની ડિઝાઇન અને વિકાસ ક્ષમતાઓ વિશ્વને બતાવી છે. 100 ભારતીય કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. નિકાસ કરાયેલા મુખ્ય ઉત્પાદનોમાં ડોર્નિયર-228, 155 MM એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન, બ્રહ્મોસ મિસાઇલ, આકાશ મિસાઇલ સિસ્ટમ, રડાર, સિમ્યુલેટર, માઇન પ્રોટેક્ટેડ વ્હીકલ, આર્મર્ડ વ્હીકલ્સ, પિનાકા રૉકેટ અને લોન્ચર્સ, દારૂગોળો, થર્મલ ઇમેજર્સ, બૉર્ડી આર્મરનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની રચના બાદ તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ પીએમ મોદીનું હંમેશા સંરક્ષણ ક્ષેત્ર પર ખાસ ધ્યાન રહ્યું છે. આવી સ્થિતિમાં સંરક્ષણ ક્ષેત્રની આ સિદ્ધિને તેમના આત્મનિર્ભર ભારતના વિઝન સાથે જોડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભાજપે ઘોષણાપત્ર કમિટિની કરી જાહેરાત, રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મેનિફેસ્ટો થશે તૈયાર

Back to top button