ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતે છેવટે રાવીનું પાણી પાકિસ્તાન વહેતું અટકાવ્યું, જમ્મુ-કાશ્મીર, પંજાબને થશે ફાયદો

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 26 ફેબ્રુઆરી: આખરે ભારતે રાવી નદીનું પાણી પાકિસ્તાન તરફ જતું અટકાવી દીધું છે. ડેમનું નિર્માણ કરીને ભારતે 45 વર્ષ બાદ રાવી નદીના પાણીના પ્રવાહને પાકિસ્તાન તરફ અટકાવ્યો છે. વિશ્વ બેંકની દેખરેખ હેઠળ 1960માં હસ્તાક્ષર કરાયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશિષ્ટ અધિકાર છે. પંજાબના પઠાણકોટ જિલ્લામાં સ્થિત શાહપુર કાંડી બેરેજ જમ્મુ-કાશ્મીર અને પંજાબ વચ્ચેના વિવાદને કારણે રોકી દેવામાં આવ્યું હતું. પરંતુ તેના કારણે છેલ્લા ઘણા સમયથી ભારતના પાણીનો મોટો હિસ્સો પાકિસ્તાનમાં જતો હતો.

સિંધુ જળ સંધિ હેઠળ, રાવી, સતલજ અને બિયાસના પાણી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે. જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી પર પાકિસ્તાનનો અધિકાર છે. 1979માં પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરકારે પાકિસ્તાનના પાણીને રોકવા માટે રણજીત સાગર ડેમ અને ડાઉનસ્ટ્રીમ શાહપુર કાંડી બેરેજના નિર્માણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર પર જમ્મુ- કાશ્મીરના તત્કાલિન મુખ્યમંત્રી શેખ મોહમ્મદ અબ્દુલ્લા અને પંજાબના તેમના સમકક્ષ પ્રકાશ સિંહ બાદલે હસ્તાક્ષર કર્યા હતા.

ડેમના બાંધકામમાં કંઈને કંઈ રીતે અવરોધો આવતા ગયા

1982માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો, જે 1998 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી. જ્યારે 2001માં રણજીત સાગર ડેમનું બાંધકામ પૂર્ણ થયું હતું, ત્યારે શાહપુર કાંડી બેરેજ બની શક્યું ન હતું અને રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં વહેતું રહ્યું. શાહપુર કાંડી પ્રોજેક્ટને 2008માં રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરાયો હતો, પરંતુ બાંધકામનું કામ 2013માં શરૂ થયું હતું. જો કે, પંજાબ અને જમ્મુ-કાશ્મીર વચ્ચેના વિવાદને કારણે 2014માં પ્રોજેક્ટ ફરીથી અટકી ગયો હતો. 2018માં કેન્દ્રએ મધ્યસ્થી કરી અને બંને રાજ્યો વચ્ચે કરાર કર્યો. આ પછી ડેમનું કામ ફરી શરૂ થયું, અંતે 46 વર્ષ બાદ આ બાંધકામ પૂર્ણ થયું છે. જે પાણી પાકિસ્તાન જતું હતું તેનો ઉપયોગ હવે જમ્મુ-કાશ્મીરના બે મુખ્ય જિલ્લા કઠુઆ અને સાંબાને સિંચાઈ માટે કરવામાં આવશે. હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં 32,000 હેક્ટર જમીનને 1150 ક્યુસેક પાણીથી સિંચાઈ થશે. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીર પણ ડેમમાંથી ઉત્પાદિત 20 ટકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર મેળવી શકશે.

પંજાબ-રાજસ્થાનને પણ ફાયદો થશે

55.5 મીટર ઊંચો શાહપુરકંડી ડેમ બહુહેતુક નદી ખીણ પ્રોજેક્ટનો ભાગ છે, જેમાં 206 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તે રાવી નદી પર બનાવવામાં આવ્યું છે, જે રણજીત સાગર ડેમ પ્રોજેક્ટથી 11 કિમી નીચે છે. ડેમનું પાણી જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને રાજસ્થાનને પણ મદદ કરશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં એક મહિલા મોબલિંચિંગથી માંડમાંડ બચી, જાણો શું થયું?

Back to top button