ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્ટોકહોમ સ્થિત સંરક્ષણ થિંક ટેન્ક SIPRI એ સોમવારે દાવો કર્યો હતો કે, ‘જાન્યુઆરી 2022 સુધીમાં ભારત પાસે 160 પરમાણુ હથિયારો હતા અને તે તેના પરમાણુ શસ્ત્રાગારને વિસ્તરી રહ્યું હોવાનું જણાય છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એ જ રીતે પાકિસ્તાન પણ તેના પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ કરી રહ્યું છે. ચીન પહેલાથી જ તેના પરમાણુ શસ્ત્રોના શસ્ત્રાગારના વિસ્તરણમાં વ્યસ્ત છે. સેટેલાઇટ ઇમેજ સૂચવે છે કે આમાં 300થી વધુ નવા મિસાઇલ સિલોઝનું નિર્માણ શામેલ છે’. જાન્યુઆરી 2021 અને જાન્યુઆરી 2022માં ચીન પાસે 350 પરમાણુ હથિયારો હતા.
એવો દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે ભારતનો પરમાણુ ભંડાર જાન્યુઆરી 2021માં 156થી વધીને જાન્યુઆરી 2022માં 160 થયો હતો, ત્યારે પાકિસ્તાનનો પરમાણુ ભંડાર જાન્યુઆરી 2021 અને જાન્યુઆરી 2022માં 165 રહ્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ કરી રહ્યા હોવાનું જણાય છે અને બંને દેશોએ 2021માં નવા પ્રકારની પરમાણુ વિતરણ પ્રણાલીઓ રજૂ કરી છે અને તેને વિકસાવવાનું ચાલુ રાખ્યું છે.’
આગામી વર્ષોમાં વિશ્વના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં વધારો થવાની ધારણા છે, જે શીત યુદ્ધના અંત પછીથી ઘટી રહી હતી. શસ્ત્રો પર દેખરેખ રાખતી સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI)એ સોમવારે આ વાત કહી. SIPRIએ જણાવ્યું હતું કે, તમામ નવ પરમાણુ સશસ્ત્ર દેશો તેમના શસ્ત્રાગાર વધારી રહ્યા છે અથવા અપગ્રેડ કરી રહ્યા છે.
SIPRIના વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન પ્રોગ્રામના સંશોધક અને ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના ન્યુક્લિયર ઇન્ફર્મેશન પ્રોજેક્ટના ડાયરેક્ટર હેન્સ એમ. ક્રિસ્ટેનસેને જણાવ્યું હતું કે: ‘ત્યાં સ્પષ્ટ સંકેતો છે કે, શીત યુદ્ધની સમાપ્તિ પછી વૈશ્વિક પરમાણુ શસ્ત્રોમાં ઘટાડો કરવાની પ્રવૃતિ પૂરી થઈ ગઈ હતી.’
યુ.એસ. અને રશિયાના શસ્ત્રાગાર, જેની પાસે વિશ્વના 90 ટકા પરમાણુ શસ્ત્રો છે. તે વર્ષ 2021માં લશ્કરી સેવામાંથી દૂર કરવામાં આવેલા વોરહેડ્સના વિનાશને કારણે ઘટાડો થયો હતો. SIPRI એ જણાવ્યું હતું કે, તેમનો ઉપયોગ કરી શકાય એવો લશ્કરી ભંડાર પ્રમાણમાં સ્થિર અને પરમાણુ શસ્ત્રોના ઘટાડા પરની સંધિ દ્વારા નિર્ધારિત મર્યાદાની અંદર રહે છે.
સંશોધન સંસ્થાએ જણાવ્યું હતું કે, અન્ય પરમાણુ સમૃદ્ધ દેશો – બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયેલ અને ઉત્તર કોરિયા – કાં તો નવી શસ્ત્ર પ્રણાલી વિકસાવી રહ્યા છે અથવા તૈનાત કરી રહ્યા છે અથવા તેમ કરવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો છે. ઈઝરાયેલે ક્યારેય જાહેરમાં આવા હથિયારોના અસ્તિત્વનો સ્વીકાર કર્યો નથી.
SIPRIના વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન પ્રોગ્રામના ડિરેક્ટર વિલ્ફ્રેડ વેને જણાવ્યું હતું કે, બધા પરમાણુ-સશસ્ત્ર દેશો તેમના શસ્ત્રાગારોને વધારી રહ્યા છે અથવા અપગ્રેડ કરી રહ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક વલણ છે.