PM ટ્રુડોના ભાષણમાં ખાલિસ્તાની નારેબાજીની ઘટનાને ભારતે સખ્ત શબ્દોમાં વખોડી, કેનેડિયન રાજદૂતને સમન્સ
નવી દિલ્હી, 29 એપ્રિલ: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની હાજરીમાં ભારતે ખાલિસ્તાની તરફી સૂત્રોચ્ચાર સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તેમજ કેનેડાના રાજદૂતને પણ બોલાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે કેનેડાના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં એક કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવ્યા હતા. આ કાર્યક્રમમાં કેનેડાના વડાપ્રધાને પણ સંબોધન કર્યું હતું.ખાલિસ્તાની તરફી નારેબાજી કરતાં ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરીને આ બાબતને સખ્ત શબ્દોમાં વખોડી હતી.
ખાલાસા દિવસ પર પીએમ ટુડ્રોની હાજરીમાં ખાલિસ્તાનના નામના નારા
એવું કહેવામાં આવ્યું છે કે આ કેનેડામાં અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને આપવામાં આવેલી રાજકીય જગ્યાને ફરી એક વાર પ્રતિબિંબિત કરે છે. આવી ઘટનાઓ માત્ર ભારત-કેનેડા સંબંધોને અસર કરતી નથી પણ કેનેડામાં તેના પોતાના નાગરિકો પ્રત્યે હિંસા અને ગુનાખોરીના વાતાવરણને પણ પ્રોત્સાહન આપે છે. હકીકતમાં, ટોરોન્ટોમાં આયોજિત ખાલસા દિવસની ઊજવણીમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમજ વિપક્ષી નેતા પિયરે પોઇલીવરની હાજરીમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. કેનેડા સ્થિત CPAC ટીવી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પીએમ ટ્રુડો ખાલસા દિવસના અવસરે પોતાનું સંબોધન આપવા માટે સ્ટેજ પર પહોંચતા જ જોરશોરથી નારા લાગ્યા હતા. જેમાં એનડીપી નેતા જગમીત સિંહ અને ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉ પણ હાજર હતા.
ટોરોન્ટોમાં ખાલસા દિવસની ઉજવણી કરવામાં આવે છે
શહેરની સૌથી મોટી વાર્ષિક ઊજવણીમાંના એક તહેવાર માટે રવિવારે હજારો લોકો ડાઉનટાઉન ટોરોન્ટોની જનમેદનીમાં ઉપસ્થિત રહ્યા હતા. ઑન્ટારિયો શીખ અને ગુરુદ્વારા કાઉન્સિલ (OSGC) અનુસાર, વૈશાખી જેને ખાલસા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 1699માં શીખ સમુદાયની સ્થાપના તેમજ શીખ નવા વર્ષની ઊજવણી કરે છે. જૂથ ઘણા વર્ષોથી લેક શોર બુલવર્ડ નીચે વાર્ષિક પરેડનું આયોજન કરે છે. કાઉન્સિલનો દાવો છે કે આ કેનેડાની ત્રીજી સૌથી મોટી પરેડ છે અને તે નિયમિતપણે હજારો દર્શકોને આકર્ષે છે.
આ પણ વાંચો: કેનેડાના PMનો ખાલિસ્તાની પ્રત્યેનો પ્રેમ ફરી જાગ્યો, જસ્ટિન ટ્રુડોના ભાષણમાં ઝિંદાબાદના નારા લાગ્યા