બેડમિન્ટન ચેમ્પિનશિપમાં ભારતનો દબદબો, લક્ષ્ય સેન, પ્રણ અને કિદામ્બી બીજા રાઉન્ડમાં પહોંચ્યા


કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન લક્ષ્ય સેને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં ડેન્માર્ક હેન્સ ક્રિસ્ટિયન સોલબર્ગ વિટિંગ્સને સીધા સેટમાં હરાવી દીધો છે. ગત વર્ષે બ્રોન્ઝ મેડલ જીતનાર 20 વર્ષીય લક્ષ્યએ વિટિંગ્સને 21-12, 21-11થી હરાવ્યો. નવમી સીડ લક્ષ્યએ 36 વર્ષીય વિટિંગ્સને ફોરહેન્ડ અને ક્રૉસ કોર્ટ રિટર્ન લગાવી મુશ્કેલીમાં મૂક્યો હતો.
લક્ષ્ય સેન માત્ર 35 મિનિટમાં જીતી બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. બંને વચ્ચે આ ચોથી મેચ હતી અને આ અગાઉ વિટિંગ્સે 2 અને લક્ષ્યએ 1 મેચ જીતી હતી. આ દરમિયાન એચએસ પ્રણય અને કિદામ્બી શ્રીકાંત પણ સતત ગેમમાં જીતી બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. પ્રણયે ઓસ્ટ્રિયાના લુકા વ્રેબરને 34 મિનિટમાં 21-12, 21-11થી હરાવ્યો.
જ્યારે 12મી સીડ શ્રીકાંતે આયર્લેન્ડના ગુયેનને 22-20, 21-19થી હરાવ્યો. જોકે, અનુભવી બી.સાઈ પ્રણીતે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે ભારતની મહિલા, પુરુષ અને મિક્સ્ડ ડબલ્સની જોડીઓ બીજા રાઉન્ડમાં પહોંચી. અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીએ મહિલા ડબલ્સ, તનીષા ક્રાસ્ટો અને ઈશાન ભટનાગરે મિક્સ્ડ ડબલ્સ, બી સુમિત રેડ્ડી અને મનુ અત્રીએ પુરુષ ડબલ્સમાં પોતાની મેચો જીતી હતી.