ગૂગલ એપ સ્ટોરની સ્પર્ધામાં ભારતે તૈયાર કર્યું એપસ્ટોર
22 ફેબ્રુઆરી 2024:વોલમાર્ટની માલિકીની કંપની PhonePe એ આજે તેનો એપ સ્ટોર લોન્ચ કર્યો છે. આ એપ સ્ટોરનું નામ Indus App Store છે, જેની છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચા થઈ રહી હતી. આ ભારતમાં બનેલ એન્ડ્રોઇડ એપ સ્ટોર છે, જે સીધી રીતે Google Play Store સાથે સ્પર્ધા કરી શકે છે.
શું Google Play Store બંધ થશે?
ગયા વર્ષે સપ્ટેમ્બર 2023માં કંપનીએ કંપનીઓને તેમની સંબંધિત એપ્સ આ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવા માટે કહ્યું હતું. ભારતમાં મોટાભાગના એન્ડ્રોઇડ યુઝર્સ તેમના ફોનમાં કોઈપણ એપ ડાઉનલોડ કરવા માટે Google Play Storeનો ઉપયોગ કરે છે, પરંતુ હવે તેમની પાસે એક વધારાનો વિકલ્પ હશે. લોકો હવે ઈન્ડસ એપ સ્ટોર દ્વારા એન્ડ્રોઈડ એપ્સ પણ ડાઉનલોડ કરી શકશે.
કંપનીએ Indus App Store લોન્ચ કરીને ભારતીય એપ માર્કેટમાં મોટી દાવ રમી છે. ડેટા અનુસાર, ભારતમાં રહેતા લોકોએ 2023માં મોબાઈલ એપ્સ પર 1.19 ટ્રિલિયન કલાકો વિતાવ્યા હતા, જ્યારે 2021માં મોબાઈલ એપ્સનો ઉપયોગ કરીને 954 બિલિયન કલાકો વિતાવ્યા હતા. આ દર્શાવે છે કે ભારતીય સ્માર્ટફોન યુઝર્સ એપ્સ પર કેટલો સમય વિતાવે છે અને કેટલી ઝડપથી તેની રકમ વધી રહી છે. આવી સ્થિતિમાં વોલમાર્ટ દ્વારા આ એપ સ્ટોર લોન્ચ કરવો તેમના માટે ખૂબ જ ફાયદાકારક બિઝનેસ સાબિત થઈ શકે છે.
Indus App Storeની વિશેષતાઓ
એપ વિશે કંપનીએ લોન્ચ સમયે દાવો કર્યો હતો કે તેમાં 45 અલગ-અલગ કેટેગરીમાં 2 લાખથી વધુ મોબાઈલ એપ્સ અને ગેમ્સ ઉમેરવામાં આવી છે. આ એપમાં યુઝર્સને હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 12 ભાષાઓનો સપોર્ટ મળશે, જેમાં ભારતની ઘણી પ્રાદેશિક ભાષાઓ પણ સામેલ છે. સપ્ટેમ્બરમાં પહેલીવાર Indus App વિશે માહિતી આપતાં કંપનીએ કહ્યું હતું કે કોઈપણ ડેવલપર્સ માટે આ સ્ટોરમાં પ્રથમ વર્ષ માટે તેમની એપનું રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી હશે. PhonePeના સહ-સ્થાપક સમીર નિગમે તે સમયે કહ્યું હતું કે ડેવલપર્સ તેમના પ્લેટફોર્મ પર કોઈપણ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકે છે. કંપની દાવો કરે છે કે ઈમેલ અને ચેટબોટ દ્વારા ઈન્ડસ એપ સ્ટોર પર 24*7 કસ્ટમર કેર સપોર્ટ સુવિધા ઉપલબ્ધ થશે.