ભારતમાં દસ વર્ષમાં 12.5 કરોડ રોજગારીનું સર્જન થયું, જુઓ શું કહે છે SBI રિપોર્ટ?
- નાણાકીય વર્ષ 2004-14ની વચ્ચે આ આંકડો 2.9 કરોડ હતો
- ગયા વર્ષના જુલાઈની સરખામણીએ MSMEમાં નોકરીઓમાં 66 ટકાનો વધારો
નવી દિલ્હી, 11 જુલાઈ : નાણાકીય વર્ષ 2014થી નાણાકીય વર્ષ 2023 વચ્ચે ભારતમાં 12.5 કરોડ રોજગારીની તકો ઊભી થઈ છે, જે નાણાકીય વર્ષ 2004થી નાણાકીય વર્ષ 2014ની તુલનામાં 4.3 ગણી વધારે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે.
એસબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના દશકીય ભરતીના ડેટા પર નજર કરીએ તો દેશમાં નાણાકીય વર્ષ 2014 થી 2023 વચ્ચે 12.5 કરોડ નોકરીઓનું સર્જન થયું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2004 થી નાણાકીય વર્ષ 2014 ની વચ્ચે આ આંકડો 2.9 કરોડ હતો. જો આમાં કૃષિ સંબંધિત રોજગારને બાકાત રાખવામાં આવે તો નાણાકીય વર્ષ 2014 અને નાણાકીય વર્ષ 2023ની વચ્ચે ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં 8.9 કરોડ નોકરીઓનું સર્જન થયું હતું. જયારે નાણાકીય વર્ષ 2004થી નાણાકીય વર્ષ 2014 ની વચ્ચે 6.6 કરોડ નવી રોજગારીની તકો ઊભી થઈ હતી.
આ પણ વાંચો : આસામમાં 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણો શું છે ‘યાબા’, જેની 1 લાખ ગોળીઓ કરાઇ જપ્ત
SBIના રિપોર્ટમાં બીજું શું કહેવામાં આવ્યું?
એસબીઆઈના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં નોંધાયેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)માં રોજગારનો આંકડો 20 કરોડને વટાવી ગયો છે. MSME મંત્રાલયના એન્ટરપ્રાઈઝ પોર્ટલ પર 4 જુલાઈ સુધીના ડેટા અનુસાર, 4.68 કરોડ નોંધાયેલા MSMEમાં 20.20 કરોડ લોકોને રોજગાર મળી રહ્યો છે. તેમાંથી 2.3 કરોડ નોકરીઓ GSTમાંથી મુક્તિ અપાયેલા અનૌપચારિક સૂક્ષ્મ એકમોમાં મળી રહી છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ MSMEમાં નોકરીઓમાં 66 ટકાનો વધારો થયો છે.
SBIના મુખ્ય આર્થિક સલાહકારે શું કહ્યું ?
SBIના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે EPFO અને RBIના KLEMS ડેટા (કેપિટલ, લેબર, એનર્જી, મટિરિયલ્સ અને સર્વિસ ડેટા)ની સરખામણી કરવા પર ખૂબ જ સારો ટ્રેન્ડ ઉભરી રહ્યો છે. ઓછી આવકની નોકરીઓ પર ડેટા સંકલિત કરનાર EPFO ડેટા અનુસાર, FY24માં નોકરીઓમાં તેનો હિસ્સો ઘટીને 28 ટકા થઈ ગયો છે, જે છેલ્લા 5 વર્ષના સમયગાળામાં (FY19 થી FY23) સરેરાશ 51 ટકા હતો. આ દર્શાવે છે કે લોકોને સારી નોકરી સરળતાથી મળી રહી છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે બાંધકામ ક્ષેત્રમાં રોજગારીની તકો નોંધપાત્ર રીતે વધી છે.
આ પણ વાંચો : ત્રણ સગીર વિદ્યાર્થીઓએ 8 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, હત્યા નિપજાવી લાશને કેનાલમાં ફેંકી દીધી..!