JSW સ્ટીલને અદાલતનો મોટો ઝટકો, વિસ્તાર યોજનાઓ ખોરંભે ચડી શકે છે


નવી દિલ્હી, 31 માર્ચ, 2025: JSW સ્ટીલ અને ટ્રાફીગુરાની મેટક કોક આયાત કરવાની મંજૂરીની માંગને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ મેટ કોક સ્ટીલ બનાવવા માટે અગત્યનો કાચો માલ છે અને જાન્યુઆરીથી ભારત સરકાર તેની સખત નિયંત્રણો લાદવા જઇ રહી છે. આ નીતિનો હેતુ ઘરેલુ સપ્લાયર્સને પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ તેનાથી સ્ટીલ ઉદ્યોગમાં હલચલ મચી ગઇ છે. કોર્ટનો આ ફેંસલો ઉદ્યોગ માટે મોટો ફેંસલો છે અને તેનાથી પ્રોડક્શનથી લઇને વિસ્તરણ યોજનાઓ પર માઠી અસર પડી શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં ટાટા સ્ટીલ, આર્સેલર મિત્તલ જેવી કંપનીઓને પાછળ રાખીને JSW દુનિયની નંબર વન સ્ટીલ કંપની તરીકે ઉભરી આવી છે.
કોર્ટે અપીલ કેમ ફગાવી?
દિલ્હી હાઈકોર્ટે શનિવારે મોડી રાત્રે પોતાનો આદેશ જારી કર્યો હતો. JSW સ્ટીલે સરકારના નિર્ણયને પડકાર્યો હતો જેમાં 90 મિલિયન ડોલરની કિંમતના કોકની આયાતને નકારી કાઢવામાં આવી હતી. આ આદેશો જાન્યુઆરીના અંકુશ પહેલાં મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ, ટ્રાફીગુરાના ઈન્ડિયા યુનિટે તેના નકારેલ શિપમેન્ટમાંથી એકને ક્લિયર કરવા માટે દાવો પણ દાખલ કર્યો હતો. પરંતુ અદાલતે સરકારની દલીલ સ્વીકારી હતી કે આવી આયાત નવી આયાત નિયંત્રણ નીતિના હેતુને નિષ્ફળ કરશે. જજ સચિન દત્તાએ આદેશમાં જણાવ્યું હતું કે કંપનીઓ આગામી પ્રતિબંધોથી વાકેફ છે અને તેઓ જે મેટ કોક આયાત કરવા માગે છે તે ક્વોટા મર્યાદા કરતાં વધુ છે.
જાન્યુઆરીમાં આવ્યા આટલા ફેરફારો
જાન્યુઆરી 2025થી, ભારતે લો-એશ મેટાલર્જિકલ કોક એટલે કે મેટ કોકની આયાતને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું હતુ. આમાં, દેશ માટે વિશિષ્ટ ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો જેથી સ્થાનિક સપ્લાયર્સને ફાયદો થાય. મેટ કોકની આયાત ચાર વર્ષમાં બમણાથી વધુ થઈ હતી અને સરકારે જાન્યુઆરીથી જૂન સુધીમાં કુલ વિદેશી ખરીદીને 1.4 મિલિયન મેટ્રિક ટન સુધી મર્યાદિત કરી હતી. આ પગલું સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપવા માટે હતું, પરંતુ સ્ટીલ કંપનીઓને તે પસંદ આવ્યું ન હતું. તેમનું કહેવું છે કે સ્થાનિક મેટ કોકની ગુણવત્તા આયાતી સામગ્રી જેટલી સારી નથી અને આના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે.
આ પણ વાંચોઃ ઉલ્ટી ગણતરી શરૂ, 2 એપ્રિલથી લાગુ થનારા રેસિપ્રોકલ કરથી આ ક્ષેત્રો પર વધશે દબાણ