કેનેડા: ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’માં તોડફોડ, ભારતે દર્શાવ્યો વિરોધ
કેનેડામાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા જાણે અટકવાનું નામ નથી લેતી. થોડા દિવસ પહેલા ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારા લખીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો. કેનેડામાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા અટકવાનું જાણે નામ નથી લેતી. હવે કેનેડાના બ્રેમ્પટન શહેરમાં બનેલા ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’ ના સાઈન બોર્ડને અસામાજિક તત્વોએ ઉખાડીને બીજી જગ્યાએ ફેંકી દીધુ. આ પાર્કનું નામ પહેલા ટ્રોયર્સ પાર્ક હતું. હાલમાં જ તેનું નામ બદલીને શ્રી ભગવદ ગીતા પાર્ક’ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 સપ્ટેમ્બરના રોજ પાર્કનું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
‘શ્રી ભગવદ ગીતા પાર્ક’માં તોડફોડ
બ્રેમ્પ્ટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલી તોડફોડ પર ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે આ ઘટનાની ટીકા કરતા અધિકારીઓને આ પ્રકરણની તપાસ કરવા અને ધૃણા અપરાધના આ આરોપીઓ વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.
ભારતે કડક કાર્યવાહીની કરી માંગણી
કેનેડામાં ભારતીય ઉચ્ચાયોગે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત બ્રેમ્પટનમાં શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલા ધૃણા અપરાધની નિંદા કરે છે. અમે કેનેડાના અધિકારીઓ અને પીલ પોલીસને આ મામલે તપાસ કરવા અને અપરાધીઓ પર તરત કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને આ ઘટના પર અફસોસ જતાવ્યો. તેમણે કહ્યું કે કેનેડા આ પ્રકારના હુમલાને સહન કરશે નહીં.
ચૂપ્પી સાધીને બેઠા છે ટ્રુડો
અત્રે જણાવવાનું કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો માનવાધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા પર ભારત જેવા દેશોને માંગ્યા વગર જ્ઞાન આપે છે પરંતુ તેમના પોતાના દેશમાં શું થઈ રહ્યું છે તેના પર હજુ સુધી તેમનો અવાજ બહાર આવ્યો નથી. કેનેડામાં સતત હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ખબરો સામે આવી રહી છે પરંતુ તેમણે હજુ સુધી તેના વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી કે ન તો કોઈ કડક પગલાં લીધા છે.
કેનેડામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ સતત વધી રહી છે હિંસા
શ્રી ભગવદ ગીતા પાર્કમાં થયેલી તોડફોડના થોડા દિવસ પહેલા ટોરન્ટોના સ્વામીનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારા લખીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે પણ ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના સપોર્ટથી કેનેડામાં વસેલા ખાલિસ્તાની અને જેહાદી સમર્થકો આ પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યા છે.
કેનેડામાં સતત થઈ રહેલી આવી ઘટનાઓને ગંભીરતાથી લેતા ભારતીય વિદેશ મંત્રાલયે ત્યાં રહેનારા નાગરિકો અને વિદ્યાર્થીઓને સચેત રહેવાની સલાહ આપી હતી.