સ્પોર્ટ્સ ડેસ્કઃ કોમનવેલ્થ ગેમ્સ 2022ની પ્રથમ સેમિફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. ભારતે ગ્રુપ Aમાં ત્રણમાંથી બે મેચ જીતીને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો છે, હવે ટીમ ઈન્ડિયાની નજર સેમિફાઈનલમાં યજમાન ઈંગ્લેન્ડને હરાવીને ઈતિહાસ રચવા પર હશે. જો ભારત આજે જીતવામાં સફળ રહેશે તો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ જશે. ટીમ ઈન્ડિયા આ મહત્વપૂર્ણ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન સાથે છેડછાડ કરવાનું પસંદ કરશે નહીં.
બાર્બાડોસ સામેની છેલ્લી મેચમાં હરમનપ્રીત કૌરે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. તાનિયા ભાટિયાના સ્થાને વિકેટ-કીપર યાસ્તિકા ભાટિયાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી હતી, જ્યારે ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે કોવિડ-19ને હરાવીને સભિનેની મેઘનાની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યું હતું. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં પૂજા આ મહામારીની ઝપેટમાં હતી, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની શરૂઆતની મેચ રમી શકી ન હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામે ભારતને આ ખેલાડીની ખૂબ જ ખોટ પડી હતી.
ભારતે બાર્બાડોસ પર 100 રનની જોરદાર જીત નોંધાવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો અને તે મેચમાં ભારતીય પ્લેઇંગ ઇલેવન ખૂબ જ મજબૂત દેખાતી હતી. સેમિફાઇનલ પહેલાં જેમિમા રોડ્રિગ્સે લય પકડ્યો હતો તો રેણુકા સિંહે તો બોલિંગમાં જોરદાર પર્ફોર્મન્સ આપી કહેર બની ગઈ હતી. રેણુકા આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 9 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટિમ – શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (સી), તાનિયા ભાટિયા (વિકેટમેન), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, સ્નેહ રાણા, મેઘના સિંહ, રેણુકા સિંહ