ટોપ ન્યૂઝનેશનલ

ભારત-કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધ વણસ્યા

Text To Speech
  •  ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે ઊભી થઈ ગંભીર રાજકીય મડાગાંઠ
  •  કેનેડાએ ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટી કરતાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને ભારત છોડવા આદેશ આપ્યો

કેનેડામાં ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધ એકાએક વણસી ગયા છે.

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની ગત 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી હતી. આ ઘટના અંગે કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ભારત સરકારનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરીને કેનેડાસ્થિત ભારતીય રાજદૂતને દેશ છોડવા જણાવ્યું હતું.

જોકે ભારત સરકારે તત્કાળ કેનેડાના આ આક્ષેપને ફગાવી દીધો હતો.

દરમિયાન, ભારત સરકારે આજે નવી દિલ્હીસ્થિત કેનેડિયન રાજદૂતને વિદેશ મંત્રાલયમાં હાજર થવા જણાવ્યું હતું અને કેનેડાના એક સિનિયર રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડી દેવા આદેશ આપ્યો હતો.

કેનેડામાં જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન બન્યા ત્યારથી ખાલિસ્તાની આતંકીઓને એક પ્રકારે ભારત વિરોધી ગતિવિધિઓ કરવાની સંપૂર્ણ છૂટ મળી ગઈ છે. તેનું કારણ એ છે કે, ગત ચૂંટણીમાં ટ્રુડોના પક્ષને બહુમતી મળી નહોતી, પરંતુ તેમણે ખાલિસ્તાની આતંકવાદીઓના સમર્થનથી બનેલા એક રાજકીય પક્ષનો ટેકો મેળવીને સત્તા હાંસલ કરી હતી. દેખીતી રીતે, ટ્રુડોની સરકાર ખાલિસ્તાન સમર્થિત પક્ષના ટેકાથી ચાલતી હોવાથી કેનેડામાં ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી. એથી વિરુદ્ધ ખાલિસ્તાનીઓ ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા રહે છે. ખાલિસ્તાનીઓ ભારતીય મૂળના લોકો ઉપર તેમજ ભારતીય દૂતાવાસ ઉપર હુમલા કરવા ઉપરાંત હિન્દુ મંદિરોને પણ છેલ્લા થોડાં વર્ષથી નિશાન બનાવે છે.

આ તમામ ઘટનાઓ અંગે ભારત સરકારે ટ્રુડો સરકાર સમક્ષ વારંવાર રાજદ્વારી રીતે મુદ્દો ઉપસ્થિત કર્યો હોવા છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાથી છેલ્લા અમુક વર્ષથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી છે.

Back to top button