

20 મે, ગુવાહાટી: કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ ગૌતમ ગંભીરને વનડેનો એક નિયમ બિલકુલ ગમતો નથી. આ નિયમ છે બંને છેડેથી નવા બોલનો ઉપયોગ. એક જમાનામાં વનડે મેચોમાં એક જ બોલથી આખી ઇનિંગ રમાતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બે બોલનો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરને વનડેનો આ નિયમ એટલા માટે નથી ગમતો કારણકે તે સ્પિનરોને અન્યાય કરે છે.
પોતાની દલીલને સમર્થન આપતાં ગંભીરે કહ્યું હતું કે રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયાના નેથન લાયને ટેસ્ટ મેચમાં 400 ઉપર વિકેટ્સ લીધી છે પરંતુ શું તેઓ વનડે ક્રિકેટ રમે છે? ના. આ પાછળનું કારણ એવું છે કે બંને છેડેથી નવો બોલ ઉપયોગમાં લેવાને કારણે જે ફિંગર સ્પિનર્સ હોય છે તે બોલને સ્પિન કરાવી શકતા નથી.
ગંભીરનું કહેવું છે કે જો એક જ બોલનો ઉપયોગ કરવામાં આવે તો, અમુક ઓવરો પછી બોલ નરમ પડી જતો હોય છે અને તેને કારણે અશ્વિન અને લાયન જેવા બોલરોને બોલ ગ્રીપ કરવામાં સરળતા રહેતી હોય છે. ગૌતમ ગંભીરનું કહેવું છે કે ટેસ્ટમાં આટલી બધી વિકેટો લેનારા બોલર્સ એટલા માટે વનડેમાં નથી રમી શકતા કારણકે તેઓ વિકેટ નથી લઇ શકતા. આ બાબત ઘણી શરમજનક કહેવાય.
બંને છેડેથી નવા બોલથી બોલિંગ કરવાથી એક બીજો મોટો ગેરફાયદો પણ છે જેને કારણે ગૌતમ ગંભીરને વનડેનો આ નિયમ નથી ગમતો. આ ગેરફાયદો એ છે કે ફાસ્ટ બોલર્સને રિવર્સ સ્વીંગ મળી શકતો નથી. બોલ જેટલો જૂનો થાય તેટલો રિવર્સ સ્વીંગ મળવાની તક વધી જતી હોય છે. પરંતુ આ નિયમને કારણે એક બોલ 25થી વધુ ઓવર્સ નાખી શકાતો નથી અને તેને કારણે ફાસ્ટ બોલર્સ રિવર્સ સ્વીંગ નથી મેળવી શકતા.
ગંભીરનું કહેવું છે કે કલ્પના કરો કે કોઈ એક ફાસ્ટ બોલર 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ નાખતો હોય અને રિવર્સ સ્વીંગ કરાવતો હોય તો બેટ્સમેનોને કેટલી તકલીફ પડે? ગંભીરનું માનવું છે કે બેટ્સમેનોને પડકાર ફેંકી શકાય એવી પ્લેયિંગ કંડીશન હોવી જોઈએ પરંતુ બદનસીબે એ શક્ય નથી બની રહ્યું.
વર્ષો અગાઉ વનડે મેચોમાં એક જ બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ લગભગ 30-32 ઓવર્સ પછી સફેદ રંગનો બોલ તેનો કલર ગુમાવી દેતો હતો અને તેને કારણે બેટ્સમેન અને ફિલ્ડર તમામને બોલને પારખવામાં તકલીફ પડતી હતી. આ કારણસર ICCએ નિયમમાં ફેરફાર કરીને બંને છેડેથી નવા બોલનો નિયમ લાગુ કર્યો હતો.