હરારે, 14 જુલાઈ : ભારતે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી મેચમાં ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું હતું અને શ્રેણી 4-1થી જીતી લીધી હતી. હરારેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રવિવારે (14 જુલાઈ) ના રોજ ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા.
સંજુ સેમસને 45 બોલમાં 58 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 12 બોલમાં 26 રન બનાવ્યા હતા. રિયાન પરાગે 24 બોલમાં 22 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ 2 વિકેટ ઝડપી હતી. સિકંદર રઝા, રિચર્ડ નગારાવા અને બ્રાન્ડોન માવુતાએ 1-1 વિકેટ લીધી હતી.
સામાપક્ષે ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી ડીયોન માયર્સે 34 રન બનાવ્યા હતા. ફરાઝ અકરમ અને તદીવનાશે મારુમાનીએ 27-27 રન બનાવ્યા હતા. બ્રાયન બેનેટે 10 રન બનાવ્યા હતા. ભારત તરફથી મુકેશ કુમારે 4 વિકેટ લીધી હતી. શિવમ દુબેએ 2 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે, વોશિંગ્ટન સુંદર અને અભિષેક શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
શુભમન ગીલની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમે ઝિમ્બાબ્વેમાં પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી. અભિષેક શર્માએ બીજી મેચમાં સદી ફટકારી હતી જ્યારે શુભમન ગિલે ત્રીજી અને ચોથી મેચમાં અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શિવમ દુબે, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદરે પણ સારું પ્રદર્શન કર્યું હતું.
બોલરોની વાત કરીએ તો અવેશ ખાન અને રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી. આ સિવાય મુકેશ કુમારે પણ સારું પ્રદર્શન કર્યું હતું. વોશિંગ્ટન સુંદર પણ બોલથી પ્રભાવિત થયો હતો. ભારતીય ટીમને આગામી શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જ્યાં તે જુલાઈના અંતમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં 3 મેચની T20 અને 3 મેચની ODI શ્રેણી રમશે.