ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત આવેલાં તાન્ઝાનિયાનાં મહિલા પ્રમુખ જ્યારે સંગીતના તાલે ઝૂમી ઊઠ્યાં

  • બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રેના કરાર પર હસ્તાક્ષર કર્યા
  • તાન્ઝાનિયા ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સમાં જોડાયું
  • વર્ષો જૂની મિત્રતા વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહ હસન આજે સંરક્ષણ ક્ષેત્રમાં પાંચ વર્ષના રોડમેપ પર સહમત થયા છે. ભારતની સત્તાવાર મુલાકાતે આવેલાં પ્રમુખ સુલુહ હસનના માનમાં દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં આયોજિત લંચ દરમિયાન તેમના દેશનું સંગીત વાગતાં ખુશખુશાલ થઈ ગયાં હતાં. (જૂઓ નીચે વીડિયો)
આ અગાઉ બંને દેશોએ ડિજિટલ ડોમેન, સંસ્કૃતિ, રમતગમત, દરિયાઈ ઉદ્યોગો અને વ્હાઇટ શિપિંગ માહિતીની વહેંચણીમાં સહકાર પૂરો પાડતા છ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ઉપરાંત, તાન્ઝાનિયાને G-20 સમિટ દરમિયાન ભારત દ્વારા શરૂ કરાયેલા ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

દ્વિપક્ષીય વાટઘાટો દરમિયાન બંને દેશના નેતાઓએ ગાઢ અને ઐતિહાસિક સંબંધોને વધુ આગળ વધારવાની રીતો પર પણ ચર્ચા કરી હતી. વેપાર અને રોકાણ, સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા, વિકાસ ભાગીદારી, ઉચ્ચ શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગ પર વાટાઘાટો થઈ હતી.

પીએમ મોદીએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો

મંત્રણા પછી પીએમ મોદીએ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભારત-તાન્ઝાનિયા સંબંધો માટે આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો. કારણ કે બંને દેશો વચ્ચે વર્ષો જૂની મિત્રતા હવે વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચી છે. તેમણે કહ્યું કે વિકાસની દૃષ્ટિએ આફ્રિકામાં તાન્ઝાનિયા ભારતનું સૌથી નજીકનું ભાગીદાર છે. ભારત અને તાન્ઝાનિયા પરસ્પર વેપાર અને રોકાણમાં મહત્વપૂર્ણ ભાગીદારો છે અને બંને પક્ષો સ્થાનિક ચલણમાં વેપાર વધારવા માટેના કરાર પર કામ કરી રહ્યા છે.

લંચ સમયે તાન્ઝાનિયાના પ્રતિનિધિઓ ગીતો પર ઝૂમતાં દેખાયાં

કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પીએમ મોદીએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં લંચનું આયોજન કર્યું હતું. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન અને અન્ય પ્રતિનિધિઓએ લંચ દરમિયાન તાન્ઝાનિયાના ગીતો સાંભળ્યા. જ્યાં તેઓ ગીતો પર ઝૂમતા જોવા મળે છે.  દિવસની શરૂઆતમાં પ્રમુખ સમિયા હસનનું રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, તેઓ ચાર દિવસની મુલાકાતે રવિવારે દિલ્હી પહોંચ્યા હતા.

Back to top button