

દેશમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે સ્વતંત્રતા દિવસના અવસર પર પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ઠ તેમજ સરાહનીય સેવા આપનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ IPS ઓફિસરને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના 3 પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ગુજરાતના 3 IPS અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય અને અતિ પ્રશંસનીય કામગીરીની શૃખલામાં ગુજરાતમાંથી અતિ પ્રશંસનીય સેવા બદલ આઈપીએસ અધિકારી રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પસંદગી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતમાં IPS તરીકે ભાવનગરના રેન્જ IG અશોક કુમાર યાદવ અને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ACP વી.આર મલ્હોત્રાની પસંદગી કરાઇ છે કે જેઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે.

ગુજરાતના 6 પોલીસ તેમજ 2 CBIના અધિકારીઓને પણ મેડલ
આ અગાઉ ગુજરાતના 6 પોલીસ તેમજ 2 CBIના અધિકારીને મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશનનું સન્માન આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીની વાત કરીએ તો અભય ચુડાસમા, ગીરીશ સિંઘલ, ઉષા રાડા, સાગર બાગમાર, રાજેન્દ્રસિંહ સરવૈયા અને ભૂપેન્દ્ર દવેને આ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે CBIના એસ એસ ભદૌરીયા અને હિમાંશુ શાહને પણ મેડલથી નવાઝવામાં આવ્યા હતા.