15 ઓગસ્ટટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડ

આઝાદી પર્વ: શું ખોટા દિવસે પાકિસ્તાન ઉજવી રહ્યો છે આઝાદીનો જશ્ન? સત્ય કે ભ્રમ

પાકિસ્તાનની આઝાદીને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આટલાં વર્ષો વીતી ગયાં હોવા છતાં ઇતિહાસની ઘણી બાબતોથી આજે પણ આપણે અજાણ છીએ. પાકિસ્તાન દર વર્ષે 14 ઑગસ્ટે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરે છે. ભારતમાં 15 ઑગસ્ટના દિવસે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવે છે.

ભારત અને પાકિસ્તાન સાથે સ્વતંત્ર થયા તેમ છતાં બંને દેશોના સ્વાતંત્ર્યદિનમાં એક દિવસનું અંતર કેમ? આજે અમે આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. વડીલો મુજબ પાકિસ્તાન રમજાનની 27મી રાત્રે આઝાદ થયું. આ દિવસે અલવિદા જુમ્મા એટલે કે રમજાન મહિનાનો છેલ્લો શુક્રવાર પણ હતો. લોકોને એવું કહેવામાં આવે છે કે એ 14મી ઑગસ્ટ 1947નો દિવસ હતો.

પરતું 1947નું કેલેન્ડર જોતાં ખબર પડે છે કે 14મી ઑગસ્ટના રોજ ગુરુવાર હતો અને હિજરી તારીખ 27 નહીં પણ 26 હતી. તારીખ અનુસાર પાકિસ્તાન 15 ઑગસ્ટ, 1947ના દિવસે સ્વતંત્ર થયું. હવે પ્રશ્ન ઊભો થાય છે કે 14 ઑગસ્ટ 1948ના રોજ સ્વાતંત્ર્યદિનની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કેમ કરવામાં આવી?

પાકિસ્તાનનો સ્વાતંત્ર્યદિન 14 ઑગસ્ટ, 1947 છે કે પછી 15 ઑગસ્ટ, 1947?

પાકિસ્તાન 14 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયું છે તો આઝાદીના અગિયાર મહિના પછી જે ટપાલટિકિટો બહાર પાડવામાં આવી તેમા સ્વાતંત્ર્યદિનની તારીખ 15 ઑગસ્ટ, 1947 કેમ લખવામાં આવી છે? પાકિસ્તાન જો 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયું હોય તો પછી સ્વાતંત્ર્યદિનની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી 14 ઑગસ્ટ, 1948ના રોજ કેમ કરવામાં આવી?

ભારત - પાકિસ્તાન-HDNEWS

બીજો સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્વાતંત્ર્યદિન 14 ઑગસ્ટે શા માટે ઉજવવામાં આવે છે? આ અંગેનો એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ 1947 (Indian Independence Act 1947) જેને બ્રિટનની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. 18 જુલાઈ, 1947ના રોજ બ્રિટનના છઠ્ઠા રાજાએ આ દસ્તાવેજ ઉપર સહી કરી હતી. આ કાયદાની એક નકલ પાકિસ્તાનના સેક્રેટરી જનરલ ચૌધરી મોહમ્મદ અલીએ 24 જુલાઈ, 1947ના રોજ કાયદા-એ-આઝમને મોકલી.

થોડા દિવસો બાદ ચૌધરી મોહમ્મદ અલી પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે પણ ચૂંટાયા હતા. આ કાયદો 1983માં બ્રિટિશ સરકાર દ્વારા પ્રકાશિત દસ્તાવેજ ‘ધ ટ્રાન્સફર ઑફ પાવર’ના 12મા ખંડના પાના નંબર 234 પર છે. પાકિસ્તાન સરકારના કાયદ-એ-આઝમ પેપર્સ પ્રોજેક્ટ દ્વારા ઉર્દૂમાં પ્રકાશિત ‘ઝીણા પેપર્સ’ના ખંડ ત્રણમાં પાના નંબર 45થી પાના નંબર 72 સુધી આનો અનુવાદ જોઈ શકાય છે. કાયદામાં સ્પષ્ટ લખ્યું છેઃ

15 ઑગસ્ટ, 1947માં બ્રિટિશ ભારતમાં બે સ્વતંત્ર દેશો બનાવવામાં આવશે, જે ભારત અને પાકિસ્તાન તરીકે ઓળખાશે. આ કાયદા મુજબ દેશો એટલે “નવા દેશો” અને ‘નિયત દિવસ’ એટલે 15 ઑગસ્ટ.

ધ ટ્રાન્સફર ઑફ પાવરના 12મા ખંડના પાના નંબર 234માં જે લખવામાં આવ્યું છે, તે નીચે મુજબ છેઃ

આ કાયદા વિશે બહાર પાડવામાં આવેલા બીજા આદેશોને જોઈએ, જે વિશેની માહિતી અને અનુવાદ ઝિયાઉદ્દીન લાહોરીએ પોતાના લેખ ‘સ્વાતંત્ર્યદિવસ: શુક્રવાર 27 રમઝાન અથવા 15 ઑગસ્ટ’માં કર્યો છે. કરાચી યુનિવર્સિટીના લેખન, સંકલન અને અનુવાદ વિભાગમાં તેમના લખાણને સામેલ કરવામાં આવ્યું છે. ઑગસ્ટ 7, 1947: સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનના કાયમી પ્રતિનિધિને ફૉરેન ઑફિસ દ્વારા ટેલિગ્રાફ મોકલવો.

“વાઇસરૉયે તાર મોકલ્યો છે કે મુસ્લિમ નેતાઓએ સ્વીકાર કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રની સદસ્યતા માટે અરજી કરવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે બ્રિટને તાત્કાલિક પાકિસ્તાન વતી અરજી દાખલ કરવી જોઈએ. જ્યારે પાકિસ્તાન 15 ઑગસ્ટે મુક્ત દેશ બની જશે ત્યારે તે અરજી પર જાતે સહી કરશે.” (પાનાં નંબર 570) ઑગસ્ટ 12, 1947 : ભારત અને પાકિસ્તાનના સભ્યપદના વિશેષાધિકાર અંગે સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયની અખબારી યાદી.

“ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમમાં છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારતમાંથી બે સ્વતંત્ર દેશો અનુક્રમે ભારત અને પાકિસ્તાનની સ્થાપના કરવામાં આવશે.” (પાનાં નંબર 685) બ્રિટિશ સરકારે જાહેર તો કરી નાખ્યું કે પાકિસ્તાન અને ભારત એક જ સમયે એટલે કે 15 ઑગસ્ટ 1947ના દિવસે ઝીરો અવરમાં સ્વતંત્ર થશે. પરંતુ મુશ્કેલી એ હતી કે લોર્ડ માઉન્ટબૅટનને 14 અને 15 ઑગસ્ટ 1947ની મધ્યરાત્રિએ નવી દિલ્હીમાં ખાતે ભારતની સ્વતંત્રતાની જાહેરાત કરવાની હતી.

ચૂંટાયેલી સરકારને સત્તા આપ્યા બાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલનું પદ સંભાળવાનું હતું. એ નક્કી કરવામાં આવ્યું કે લોર્ડ માઉન્ટબૅટન 13 ઑગસ્ટ, 1947ના રોજ કરાચી પહોંચશે અને 14 ઑગસ્ટના સવારે પાકિસ્તાનની બંધારણસભાને સંબોધન કરશે. સભામાં સત્તાનાં સૂત્રો સોંપીને તેઓ જાહેર કરશે કે આજે રાત્રે એટલે કે 14 અને 15 ઑગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બની જશે.

નક્કી થયા પ્રમાણે લોર્ડ માઉન્ટબૅટન 13 ઑગસ્ટ, 1947ના રોજ કરાચી પહોંચ્યા. કરાચીના ગવર્નર જનરલ હાઉસ ખાતે તેમના માનમાં ડિનર રાખવામાં આવ્યું હતું. ડિનરને સંબોધન કરતી વખતે મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું: “મહામહિમના સ્વાસ્થ્યનો જામ રજૂ કરતી વેળાએ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને એક અલગ પ્રસંગ છે.”

“આજે ભારતના લોકોને સંપૂર્ણ રીતે સત્તામાં સોંપવામાં આવશે અને 15 ઑગસ્ટ, 1947ના નિર્ધારિત દિવસે, બે સ્વતંત્ર અને સાર્વભૌમ દેશો પાકિસ્તાન અને ભારત અસ્તિત્વમાં આવશે.” “મહામહિમના આ નિર્ણયથી એ લક્ષ્ય પ્રાપ્ત કરીશું, જેને રાષ્ટ્રમંડળનો જે એકમાત્ર હેતુ જાહેર કરવામાં આવ્યો છે.

બીજા દિવસ ગુરુવારે 14 ઑગસ્ટ 1947, 26 રમઝાન 1366 હિઝરીની સવારે 9 વાગે કરાચીમાં સિંધ વિધાનસભાભવનમાં પાકિસ્તાનની બંધારણસભાના વિશેષ સત્રનો પ્રારંભ થયો. સવારથી જ ઉત્સાહિત લોકો બિલ્ડિંગની સામે એકઠા થઈ ગયા હતા.

જ્યારે પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણા અને લોર્ડ માઉન્ટબૅટન એક ખાસ બગીમાં સવાર થઈને હૉલ પહોંચ્યા ત્યારે લોકોએ ઉત્સાહિત નારાઓ અને તાળીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. ઍસેમ્બલીની બધી ખુરશીઓ ભરેલી હતી. ગૅલરીમાં પ્રખ્યાત લોકો, રાજકારણીઓ અને વિદેશી અખબારોના પત્રકારો મોટી સંખ્યામાં હાજર હતા. બંધારણસભાના પ્રમુખ મોહમ્મદ અલી ઝીણા અધ્યક્ષની ખુરશી પર બેઠા હતા અને તેમની બાજુમાં લોર્ડ માઉન્ટબૅટનની ખુરશી હતી.

જ્યારે બંને જણાએ ખુરશીઓ સંભાળી ત્યારે ઔપચારિક રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી. પ્રથમ લોર્ડ માઉન્ટબૅટને બ્રિટનના રાજાનો સંદેશ વાંચીને સંભળાવ્યો. સંદેશ ઝીણાને સંબોધીને લખવામાં આવ્યું હતું: “બ્રિટિશ કૉમનવેલ્થના દેશોમાં સામેલ થવા જઈ રહેલા નવા રાષ્ટ્રની સ્થાપનાની મહાન તક બદલ હું તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમે જે રીતે આઝાદી મેળવી છે તે આખી દુનિયાના સ્વતંત્રતાપ્રેમી લોકો માટે એક ઉદાહરણ છે.”

  • “હું આશા રાખું છું કે બ્રિટિશ કૉમનવેલ્થના બધા સભ્યો લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવામાં તમારી મદદ કરશે. આ બાદ લોર્ડ માઉન્ટબૅટને વિદાયભાષણ આપ્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાનીઓની સલામતી માટે પ્રાર્થના કરી.

આ ભાષણમાં લોર્ડ માઉન્ટબૅટને સ્પષ્ટ કહ્યું કે, “આજે હું તમારા વાઇસરૉય તરીકે સંબોધન કરી રહ્યો છું. આવતી કાલે પાકિસ્તાન સરકારનું સંચાલન તમારા હાથમાં રહેશે અને હું તમારા પાડોશી દેશ ડૉમિનિયન ઑફ ઇન્ડિયાનો બંધારણીય વડા બનીશ.” “બંને દેશના નેતાઓએ મને સંયુક્ત રક્ષા પરિષદના તટસ્થ રાષ્ટ્રપતિ બનવાનું આમંત્રણ આપ્યું છે, જે મારા માટે સન્માનની વાત છે. હું આ જવાબદારી સાથે ન્યાય કરવાનો પ્રયાસ કરીશ.”

  • “આવતી કાલે, બે નવા સાર્વભૌમ રાષ્ટ્રો કૉમનવેલ્થમાં જોડાશે. આ નવા રાષ્ટ્રો નહીં પરંતુ પ્રાચીન ગૌરવપૂર્ણ સંસ્કૃતિના વારસો ધરાવતા રાષ્ટ્રો છે.”

“બંને સંપૂર્ણપણે સ્વતંત્ર દેશોના નેતાઓ ખૂબ પ્રખ્યાત છે, તેમને વિશ્વમાં ખૂબ આદર સાથે જોવામાં આવે છે. તેમના કવિઓ, તત્ત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો અને સૈનિકોએ માનવતા માટે ન ભૂલી શકાય તેવાં કાર્યો કર્યાં છે.” “આ દેશોની સરકારો બિનઅનુભવી અને નબળી નથી, પરંતુ વિશ્વભરમાં શાંતિ અને વિકાસમાં પોતાની જવાબદારી પૂર્ણ કરાવાની ક્ષમતા ધરાવે છે.”

લોર્ડ માઉન્ટબૅટન પછી ઝીણાએ પોતાનું ભાષણ શરૂ કર્યું.

તેમણે પ્રથમ ઇંગ્લૅન્ડના કિંગ અને વાઇસરૉયનો આભાર માન્યો અને ખાતરી આપી કે, “અમારી પાડોશીઓ સાથે સારા અને મૈત્રીપૂર્ણ સંબંધોની લાગણી ક્યારેય ઓછી થશે નહીં અને અમે સમગ્ર વિશ્વના મિત્ર બનીને રહીશું.” વિધાનસભાની કાર્યવાહી અને સ્વતંત્રતાની ઘોષણા પછી, મોહમ્મદ અલી ઝીણા, લોર્ડ માઉન્ટબૅટન સાથે ખાસ બગીમાં ગવર્નર જનરલના ઘરે પાછા ફર્યા.

બપોરે બે વાગ્યે લોર્ડ માઉન્ટબૅટન નવી દિલ્હી જવા રવાના થયા હતા. રાત્રે 12 વાગ્યે તેમને ભારતની આઝાદી જાહેર કરવાની સાથે દેશના ગવર્નર-જનરલનું પદ સંભાળવાનું હતું. લોર્ડ માઉન્ટબૅટનની સ્વતંત્રતા ઘોષણા મુજબ 14 અને 15 ઑગસ્ટ, 1947ના રાત્રે 12 વાગ્યે, વિશ્વના નકશા પર સ્વતંત્ર, સાર્વભૌમ અને ઇસ્લામિક વિશ્વના સૌથી મોટા દેશનો ઉદય થયો, જેનું નામ પાકિસ્તાન હતું.

લાહોર અને ઢાકાથી પાકિસ્તાન બ્રૉડકાસ્ટિંગ સર્વિસ દ્વારા પાકિસ્તાનની સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવી. આ પહેલા 14 અને 15 ઑગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા લાહોર, પેશાવર અને ઢાકા સ્ટેશનથી રાત્રે 11 વાગ્યે પોતાની છેલ્લી ઘોષણા પ્રસારિત કરી હતી.

ઘડિયાળમાં બાર વાગે એની થોડી મિનિટો પહેલાં રેડિયો પાકિસ્તાનની સિગ્નચર ધૂન વગાડવામાં આવી હતી અને ઝહૂર અઝારના અવાજમાં અંગ્રેજીમાં જાહેરાત કરવામાં આવી હતી કે, મધ્યરાત્રિએ પાકિસ્તાન એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ તરીકે અસ્તિત્વમાં આવશે. રાત્રે 12 વાગ્યે હજારો શ્રોતાઓએ પહેલાં અંગ્રેજીમાં અને પછી ઉર્દૂમાં સાંભળ્યું, “આ પાકિસ્તાન બ્રૉડકાસ્ટિંગ સર્વિસ છે.”

અંગ્રેજીમાં જાહેરાત ઝહૂર અઝારે અને ઉર્દૂમાં મુસ્તફા અલી હમદાનીએ કરી હતી. આ ઘોષણા પછી તરત જ મૌલાના જાહિર અલ-કાસમીએ કુરાનની સૂરહ અલ-ફતાહની આયાતો વાંચીને સાંભળાવી અને પછી તેમનો અનુવાદ પ્રસારિત કરવામાં આવ્યો. ત્યારબાદ ખ્વાજા ખુરશીદ અનવર દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશેષ રચનાનું પ્રસારણ કરવામાં આવ્યું, જે બાદ સંતો ખાન અને તેના સાથીઓએ કવ્વાલીમાં અલ્લામા ઇકબાલની નઝ્મ ‘સાકી નામ’ના કેટલાક શેર રજૂ કર્યા. આ ટેલિકાસ્ટનો અંત હાફિઝ હોશિયારપુરીના ભાષણથી થયો હતો.

મધ્યરાત્રિએ રેડિયો પાકિસ્તાન પેશાવરના આફતાબ અહમદ બિસ્મિલે ઉર્દૂમાં અને અબ્દુલ્લા જાન મગમૂમે પશ્તોમાં પાકિસ્તાનની સ્થાપનાની જાહેરાત કરી હતી. જ્યારે કુરાનનો પાઠ કરવાનો મોકો ફિદા મોહમ્મદને પ્રાપ્ત થયો હતો. પ્રસારણ સમાપ્ત થાય છે શ્રી અહેમદ નદીમ કાસમીના ગીત સાથે, જેના શબ્દો હતા, “પાકિસ્તાન બનાવનાર, તમને પાકિસ્તાન માટે અભિનંદન.”

આવી જાહેરાત રેડિયો પાકિસ્તાન ઢાકાથી કાલિમુલ્લાએ અંગ્રેજીમાં આપી હતી, જેને બંગાળી ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવી હતી. રેડિયો પાકિસ્તાનના લાહોર પ્રસારણની શરૂઆત 15 ઑગસ્ટ, 1947ની સવારે 8 વાગ્યે કુરાનની સૂરાઃ આલે-ઇમરાન દ્વારા પસંદ કરવામાં આવેલા આયાતોથી થઈ.

કુરાનની આયાત બાદ અંગ્રેજી સમાચાર શરૂ થયા, જેને નોબીએ વાંચ્યા. સાડા આઠ પછી, ઝીણાના અવાજમાં એક સંદેશ સંભળાયો જે પહેલાથી રૅકર્ડ કરવામાં આવ્યો હતો. (આ ભાષણની ઑડિયો ક્લિપ યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે.)

આ શબ્દોથી ઝીણાનું ભાષણ શરૂ થયું:

  • “હું તમને ખૂબ ખુશી અને ભાવનાઓ સાથે અભિનંદન આપું છું. 15 ઑગસ્ટ એ એક સ્વતંત્ર અને સાર્વભૌમ પાકિસ્તાનનો જન્મદિવસ છે. તે મુસ્લિમોના ગંતવ્યની નિશાની છે, જેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વતન મેળવવા માટે મોટું બલિદાન આપ્યું છે.”

પોતાના સંબોધનમાં ઝીણાએ પાકિસ્તાનના સાર્વભૌમ દેશની સ્થાપના માટે પાકિસ્તાનના તમામ નાગરિકોને અભિનંદન આપ્યાં અને કહ્યું કે આ નવા દેશની સ્થાપના સાથે જ પાકિસ્તાનની જનતા ઉપર બહુ મોટી જવાબદારી આવી જાય છે છે. હવે વિશ્વને બતાવો કઈ રીતે એક રાષ્ટ્ર, જેમાં વિવિધ તત્ત્વો સામેલ છે, તે શાંતિ અને સદભાવમાં જીવી શકે છે.

તે જ દિવસે, એટલે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ અખબારોએ પાકિસ્તાનના સ્વતંત્રતાદિવસ નિમિત્તે વિશેષ અંક પ્રકાશિત કર્યો હતો.

અંગ્રેજી અખબાર ડૉને કરાચીમાં તેનું પ્રકાશન શરૂ કર્યું હતું. આ વિશેષ અંકનું શીર્ષક હતું: પાકિસ્તાન હંમેશાં સમૃદ્ધ થાય – લોર્ડ માઉન્ટબૅટન. (પાકિસ્તાને હંમેશાં પ્રગતિ કરવી જોઈએ: લોર્ડ માઉન્ટબૅટન). લોર્ડ માઉન્ટબૅટનના ભાષણનો સંપૂર્ણ ભાષણ શીર્ષક સાથે નીચે પ્રકાશિત થયેલા સમાચારોમાં ટાંકવામાં આવ્યો હતો, જેનો ટૂંકસાર ઉપર લખવામાં આવ્યો છે.

ડૉન અખબારે આ પ્રસંગે એક વિશેષ 32-પાનાની પૂર્તિ પણ પ્રકાશિત કરી હતી જે અમારા વ્યક્તિગત સંગ્રહમાં પણ સચવાયલી છે અને યૂટ્યૂબ પર ડૉન 15/8/1947 ટાઇપ કરીને શોધી શકાય છે. ડૉનની પૂર્તિમાં કાયદા-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાના સંદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને 10, ઔરંગઝેબ રોડ નવી દિલ્હીથી બહાર પાડવામાં આવ્યો હતો.

જોકે આ સંદેશ બહાર પાડવાની તારીખ નોંધવામાં આવી નથી, પરંતુ એ નક્કી છે કે આ સંદેશ 7 ઑગસ્ટ, 1947 પહેલાં બહાર પાડવામાં આવ્યો હતો. આ સંદેશમાં મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું, “મને જાણ કરવામાં આવી છે કે ડૉનનો પ્રથમ અંક 15 ઑગસ્ટના રોજ પાકિસ્તાનની રાજધાની કરાચીથી પ્રકાશિત કરવામાં આવશે.”

15 ઑગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાનનું પ્રથમ ગૅઝેટ બહાર પડ્યું, જેમાં મોહમ્મદ અલી ઝીણાની પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે નિમણૂક અને તે જ દિવસથી તેમનું પદ સંભાળવાની માહિતી હતી. તે જ દિવસે લાહોર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, જસ્ટિસ અબ્દુલ રશીદે પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તરીકે ઝીણાને પદના શપથ લેવડાવ્યા. આ દિવસે નવાબઝાદા લિયાકત અલી ખાનના નેતૃત્વમાં પાકિસ્તાનના પ્રથમ મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા.

આ બધા ઉદ્દેશો અને દસ્તાવેજી પુરાવાઓ પરથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન 14 ઑગસ્ટ 1947ના રોજ નહીં, પણ 15 ઑગસ્ટ, 1947ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. પાકિસ્તાનની સ્થાપનાના પ્રથમ વર્ષમાં, પાકિસ્તાન આઝાદ થયું તે અંગે કોઈને શંકા નહોતી.

આ વાતની સાબિતી છે કે 19 ડિસેમ્બર, 1947ના રોજ પાકિસ્તાનના ગૃહવિભાગે પોતાના પત્ર 17-47માં 1948 માટે જે વાર્ષિક રજાઓની જાહેરાત કરી હતી, તેમાં પાકિસ્તાન દિવસની રજાની તારીખ 15 ઑગસ્ટ લખવામાં આવી છે. આ કાગળ ઇસ્લામાબાદના રાષ્ટ્રીય દસ્તાવેજીકરણ કેન્દ્રમાં હજી છે.

1948ના પ્રથમ ત્રિમાસિકમાં પાકિસ્તાનના ટપાલ વિભાગે પાકિસ્તાનની પ્રારંભિક ટપાલટિકિટોની ડિઝાઇન અને છાપકામ શરૂ કર્યું. એ ચાર ટપાલટિકિટોનો સમૂહ હતો. ચારમાંથી ત્રણની ડિઝાઇન પ્રચાર વિભાગના રશીદુદ્દીન અને મોહમ્મદ લતીફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. ચોથા પોસ્ટેજ સ્ટેમ્પ અને તેની સાથે પ્રકાશિત થનાર ફોલ્ડરની ડિઝાઇન પાકિસ્તાનના મહાન કલાકાર અબ્દુલ રહેમાન ચુગતાઇએ બનાવી હતી.

આ ટપાલટિકિટો બ્રિટિશ પ્રિન્ટિંગ પ્રેસ મેસર્સ ટોમસ ડી લારોમાં છાપવામાં આવી હતી અને 9 જુલાઈ, 1948ના રોજ વેચાણ માટે મૂકવામાં આવી હતી. ટપાલટિકિટો પર પાકિસ્તાનના સ્વાતંત્રતાદિવસની તારીખ તરીકે 15 ઑગસ્ટ, 1947 છાપવામાં આવી છે. આનાથી પુરવાર થાય છે કે આ ટિકિટોને રચના અને પ્રકાશન માટે બ્રિટનમાં મોકલવામાં આવી ત્યાં સુધી એ નક્કી હતું કે પાકિસ્તાન 15 ઑગસ્ટ, 1947નાં રોજ સ્વતંત્ર થયું છે.

તો પછી પાકિસ્તાનનો સ્વતંત્રતાદિવસ 15 ઑગસ્ટથી 14 ઑગસ્ટમાં કેવી રીતે ફેરવાઈ ગયો? આ રહસ્યને ઉકેલવા માટે અમે રાષ્ટ્રીય દસ્તાવેજીકરણ કેન્દ્રનો સંપર્ક કર્યો. ત્યાં અમે કેન્દ્રના નિયામક કમર અલ-ઝમાનની મુલાકાત લીધી. તેમની સહાયથી અમને કેન્દ્રમાં સંગ્રહિત એ ફાઇલોને જોવાની તક મળી જે લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. હવે આ ફાઇલોને લોકો જોઈ શકે છે.

આ ફાઇલોના અધ્યયનથી અમને જાણવા મળ્યું કે 29 જૂન, 1948 મંગળવારે કરાચીમાં વડા પ્રધાન નવાબઝાદા લિયાકત અલી ખાનની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં વિદેશ, કાયદા અને શ્રમમંત્રી, શરણાર્થીઓ અને પુનર્વસનમંત્રી, ખાદ્યમંત્રી, કૃષિ અને આરોગ્યમંત્રી, ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના પ્રથમ સ્વતંત્રતાદિવસની ઉજવણી 15 ઑગસ્ટ, 1948ને બદલે 14 ઑગસ્ટ, 1948ના રોજ થવી જોઈએ. વડા પ્રધાન લિયાકત અલીએ મંત્રીમંડળને કહ્યું કે આ નિર્ણય આખરી નથી, તેઓ આ મામલો ગવર્નર જનરલના ધ્યાનમાં લાવશે અને ઝીણાની મંજૂરી બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ફાઇલમાં જે માહિતી લખવામાં આવી છે તે નંબર સીએફ/48/196 છે અને કેસ નંબર 393/54/48 છે. આ ફાઇલમાં નોંધાયેલ માહિતી અંગ્રેજીમાં લખેલી છે: અનુવાદ: “માનનીય વડા પ્રધાને કાયદા-એ-આઝમ સુધી આ સૂચન મોકલવાની જવાબદારી લીધી છે કે જે સૂચવે છે કે સ્વતંત્રતાદિવસની ઉજવણી 15 ઑગસ્ટને બદલે 14 ઑગસ્ટે કરવી જોઈએ.”

આ ફાઇલમાં એવું લખ્યું નથી કે આ સૂચન સૌપ્રથમ કોણે આપ્યું હતું અને 15 ઑગસ્ટને બદલે 14 ઑગસ્ટે સ્વતંત્રતાદિવસની ઉજવણીની તરફેણમાં શું દલીલો કરવામાં આવી હતી. કાર્યવાહીના અંતે, બ્રેકિટ જણાવે છે કે “કાયદા-એ-આઝમે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.”

ફાઇલ આગળ વધે છે અને આગલા પૃષ્ઠમાં, કેસ નંબર સીએમ/48/54 તારીખ 12 જુલાઈ, 1948 અંતર્ગત કૅબિનેટ નાયબ સચિવ એસ. ઉસ્માનના હસ્તાક્ષર સાથે લખ્યું છે કે 29મી જૂન 1948ના રોજ વડા પ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી કૅબિનેટ બેઠકના નિર્ણય વિશે તમામ મંત્રીઓ અને તેમના મંત્રાલયોના સંબંધિત સચિવોને સૂચના આપવામાં આવે, જેથી આ નિર્ણયનો અમલ થઈ શકે.

ફાઇલમાં આગળનો ઓર્ડર નંબર 15/2/48 છે જે 13 જુલાઈ, 1948ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. ઑર્ડરમાં પાકિસ્તાન સરકારના નાયબ સચિવ અહમદ અલીની સહી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ સ્વતંત્રતાદિવસની ઉજવણી 14 ઑગસ્ટ, 1948ના રોજ યોજાશે. આ દિવસે સમગ્ર દેશમાં જાહેર રજા હશે અને તમામ સરકારી અને જાહેર મકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

  • આ અંગેનો એક આદેશ છે, જેમાં પાકિસ્તાન સરકારના સહાયક સચિવ મોહમ્મદ મુખ્તરે સહી કરી છે, જેની સંખ્યા 15/2/48 છે અને તે જ હુકમનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

જોકે, આમાં વધારાની વાત એ છે કે આ નિર્ણય વિશે પાકિસ્તાનના તમામ મંત્રાલયો, તમામ વિભાગો, કૅબિનેટ સચિવો, બંધારણસભા, કાયદા-એ-આઝમના અંગત અને લશ્કરી સચિવો, એકાઉન્ટન્ટ જનરલ પાકિસ્તાન રેવન્યુ, પાકિસ્તાન અને ભારતના ઑડિટર જનરલ અને ઉચ્ચ કમિશનરને જાણ કરવામાં આવે.

ફાઇલમાં સાચવેલ આગળનો ઑર્ડર 14 જુલાઈ, 1948નાં રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તેનો ડીઓ નંબર સીબી/48/390 છે. આમાં કૅબિનેટના ઉપસચિવ શુજાત ઉસ્માન અલીએ ગૃહમંત્રાલયના નાયબ સચિવ ખાન બહાદુર સૈયદ અહમદ અલીને સંબોધન કરી આ અંગેની માહિતી આપી છે.

અનુવાદઃ મારા પ્રિય અહેમદ અલી, થોડા દિવસો પહેલા તમે 14 ઑગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્રતાદિવસની ઉજવણીના કૅબિનેટ નિર્ણય અંગે પૂછ્યું હતું કે શું આ નિર્ણય ફક્ત આ વર્ષ માટે છે કે કાયમ માટે? હું તમને જણાવવા માગું છું કે ફક્ત આ વર્ષે જ નહીં પરંતુ કાયમ માટે આ સમારોહ 14 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે. મને ખાતરી છે કે તમે આ નિર્ણય સાથે દરેક સંબંધિત વ્યક્તિને જાણ કરશો.

  • મંત્રીમંડળના આ નિર્ણયનો અમલ થયો અને પાકિસ્તાનના પ્રથમ સ્વાતંત્ર્યદિનની ઉજવણી આખા દેશમાં 14 ઑગસ્ટ, 1948ના રોજ કરવામાં આવી.

અખબાર ડૉને સ્વતંત્રતાદિવસ વિશેની પ્રથમ વાર્ષિક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તક 14 ઑગસ્ટને બદલે 15 ઑગસ્ટે વિશેષ 100 પાનાંની પૂર્તિ સાથે પ્રકાશિત કર્યું હતું. આનું એક કારણ એ હોઈ શકે છે કે એ વર્ષે 15 ઑગસ્ટે રવિવાર હતો, જે પૂર્તિ પ્રકાશિત કરવા માટે ખૂબ યોગ્ય હતો.

15 ઑગસ્ટને બદલે 14 ઑગસ્ટના રોજ પાકિસ્તાનના સ્વતંત્રતાદિવસની ઉજવણી કરવાની આ પ્રથા આજે પણ ચાલુ છે. ધીરેધીરે એ સ્થાપિત થઈ ગયું છે કે પાકિસ્તાન 15 ઑગસ્ટ, 1947ના રોજ નહીં પરંતુ 14 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયું છે.

જોકે, ઉપરોક્ત દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી એ માલૂમ થાય છે કે પાકિસ્તાનની પ્રથમ કૅબિનેટે પાકિસ્તાનની સ્વતંત્રતાના ઇતિહાસમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ માત્ર સ્વતંત્રતાદિવસને 15 ઑગસ્ટના સ્થાને 14 ઑગસ્ટ કરી નાખ્યો. ઝીણાએ પણ આમાં ટેકો આપ્યો હતો.

હકીકતને નકારી શકાય નહીં અને તે બદલી શકાશે નહીં કે પાકિસ્તાનનો સ્વતંત્રતાદિવસ 15 ઑગસ્ટ 1947 છે.

આ પણ વાંચો: ભવાનીદાદા- આઝાદીની સંઘર્ષભરી કાળી રાત્રી અને સ્વતંત્ર ભારતની સોનેરી સવારની સજીવન સાબિતી

Back to top button