રાજ્યના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ મોકૂફ
રાજ્યના 12 હજારથી વધુ મહેસુલી કર્મચારીઓ કાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાના હતા જે હવે મોકૂફ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓની જુદી-જુદી માંગણીઓ તેમજ લાંબા સમયથી પડતર પ્રશ્ર્નોનું કોઇ નિરાકરણ ન આવતાં આખરે રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તા. 27 સપ્ટેમ્બરના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાની ચિમકી ઉચ્ચરવામાં આવી હતી. જેમાં તમામ તાલુકા, શહેરના જનસેવા કેન્દ્ર, ઇ-ધરા, ઝોનલ કચેરીમાં રાશનકાર્ડની તમામ કામગીરી ઠપ્પ થઇ જવાની હતી.
અધિક મુખ્ય સચિવ સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો
વધુમાં આ અંગે જાણવા મળ્યા મુજબ આવતીકાલથી શરૂ થનાર હડતાલની છેલ્લી ઘડી સુધી કર્મચારીઓને મનાવવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં તેઓને સફળતા મળી છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે મંડળની બેઠક યોજાઇ હતી જેમાં તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સહમતિ થતાં આ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ મુખ્ય
આ કર્મચારીઓની વિવિધ માંગો પૈકી જૂની પેન્શન યોજના લાગુ કરવી એ મુખ્ય છે. ઉપરાંત, ફિક્સ પગાર બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ પિટિશન પરત ખેંચી ફિકસ પગારની પ્રથા મૂળ અસરથી બંધ કરી ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણૂંકથી તમામ લાભો આપવા, સાતમા પગારપંચના તમામ ભથ્થાઓ એરિયર્સ સહિત ચુકવવા, સને-2012ના કલાર્કને તાત્કાલિક ધોરણે નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા બાબત, આ બાબતે સરકાર તથા વિભાગમાં અલગથી સમયાંતરે માંગણીઓ-રજૂઆત કરવામાં આવેલ છે જે તમામ રજૂઆતો ધ્યાને લઇ દિન-15માં પ્રમોશન અંગેની તમામ કામગીરી પૂર્ણ કરવા માંગણી છે.
અનેક મુદ્દાઓએ કર્મચારીઓમાં રોષ
30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટ દ્વારા એક ઇજાફો આપવા માટે જોગવાઇ થયેલ છે જે તાત્કાલિક ધોરણે પરિપત્રીત કરી પાશ્ર્ચાત અસરથી લાગુ કરવું, હાલમાં વિભાગ કક્ષાએ નાયબ મામલતદાર-કલાર્કની જિલ્લા ફેરબદલીઓની માંગણીઓ પેન્ડિંગ છે જેમાં અનુભવે જણાયેલ છે કે ખરેખર જિલ્લા ફેરબદલી પાત્ર કર્મચારીઓની ફાઇલો સાઇડમાં મુકી ફકત જૂજ કર્મચારીઓની પ્રાયોરિટી ધ્યાને લીધા સિવાય બદલીઓ કરવામાં આવેલ છે જેથી કર્મચારીઓમાં રોષની લાગણી છે જેથી આ બાબતે વ્હાલા-દવલાની નીતિ રાખ્યા વગર જ્યારે નાયબ મામલતદાર-કલાર્કની પ્રમોશન-સિધી ભરતીથી નિમણૂંક કરવામાં આવે ત્યારે પ્રથમ જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજી જિલ્લા ફેરબદલી પાત્ર કર્મચારીઓની જિલ્લા ફેર કરી ત્યારબાદ નવી નિમણૂંકો આપવી જોઇએ જેથી તાત્કાલિક ધોરણે બદલી કેમ્પ યોજવા માંગણી છે.