IND vs SL : રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી તૈયારીઓ શરૂ
બાંગ્લાદેશ શ્રેણી બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ટકરાશે, તાજેતરમાં જ ભારતીય ટીમ માટે BCCI દ્વારા આગામી ત્રણ મહિનાના શિડ્યુલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વર્ષની શરુઆતમાં શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. આ દરમ્યાન બંને ટીમો વચ્ચે 3 T20 અને 3 વન-ડે મેચો રમાશે. તેથી જાહેર કરેલા શિડ્યુલ મુજબ T20 શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ ગુજરાતના રાજકોટ ખાતે રમાશે.
આ પણ વાંચો : BCCI એ જાહેેર કર્યુ આગામી 3 મહિનાનું શિડ્યુલ : આ ટીમો સામે ટકરાશે ભારતીય ટીમ
7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે મેચ
આ સમાચાર મળતાની સાથે જ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ એટલે કે ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી 7 જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. આ T20 મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
10 દિવસ પહેલા થશે ટિકિટનું ઓનલાઈન વેચાણ
ભરત અને શ્રીલંકા વચ્ચેની T20 મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહે માહિતી આપતા કહ્યું હતું કે મેચના 10 દિવસ પહેલા ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને આ માટે તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે, ખેલાડીઓ અને પ્રેક્ષકોને કોઈ પણ તકલીફ ના પડે તે માટે પૂરતુ મેનેજમેન્ટ અમારા દ્વારા કરવામાં આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા સ્ટેડિયમ ખાતે પાર્કિંગથી લઈને સુરક્ષા જેવી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 મેચ ક્રિકેટ રસિકો માટે જરુરથી રોમાંચક બનશે એવી આશા છે.
શ્રીલંકા સામે ભારતનું T20I સિરીઝનું શિડ્યુલ
પહેલી T20I – 3 જાન્યુઆરી (મુંબઇ)
બીજી T20I – 5 જાન્યુઆરી (પુણે)
ત્રીજી T20I – 7 જાન્યુઆરી (રાજકોટ)
શ્રીલંકા સામેની ODI સિરીઝ શિડ્યુલ
પહેલી વન-ડે- 10 જાન્યુઆરી (ગુવાહાટી)
બીજી વન-ડે- 12 જાન્યુઆરી (કોલકત્તા)
ત્રીજી વન-ડે- 15 જાન્યુઆરી (તિરુવનંતપુરમ)
ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનું પલડું ભારે
ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચો પૈકી મોટાભાગની મેચોમાં ભારતે જીત હાંસિલ કરી છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ચાર ટી-20 મેચ રમાઈ ચૂકી છે. જે પૈકી ત્રણ મેચ અત્યાર સુધી ભારત જીતી ચૂક્યું છે. જ્યારે એક મેચમાં ભારતની હાર થઈ હતી. સાથે જ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ બાદ રાજકોટ જામનગર હાઇવે પર બનેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી જુદા-જુદા છ દેશની ક્રિકેટ ટીમ મેચ રમી ચૂક્યું છે, ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાતમી એવી વિદેશી ક્રિકેટ ટીમ બનશે કે જે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે મેચ રમશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પૂર્વે એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાયો હતો. ત્યાર બાદ પ્રથમ વખત ભારતની ધરતી પર ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ યોજાવવા જઈ રહી છે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.