આજે રવિવારે રાંચીમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણીની બીજી મેચ ભારતે સાત વિકેટે જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે 278 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે શ્રેયસ અય્યરની સદી અને ઈશાન કિશનના 93 રનની મદદથી લક્ષ્યનો પીછો સાત વિકેટે કરી લીધો હતો. આ મેચની ડેથ ઓવરમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એઈડન માર્કરામ અને રીઝા હેન્ડ્રીક્સે અડધી સદી ફટકારી હતી.
સીરીઝ 1 – 1થી બરાબર કરી
279 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખાસ રહી ન હતી. ભારતની પ્રથમ વિકેટ 28 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન શિખર ધવન 13 રન બનાવીને વેઈન પાર્નેલનો શિકાર બન્યો હતો. ભારતના બંને ઓપનર 48 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. શાનદાર લયમાં દેખાતા શુભમન ગિલ 28 રન બનાવીને રબાડાના હાથે પોતાના જ બોલ પર કેચ આઉટ થયો હતો. આ પછી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ભારતની ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 155 બોલમાં 161 રનની ભાગીદારી થઈ હતી. જોકે, કિશન પોતાના હોમ ગ્રાઉન્ડ પર સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. તેણે 84 બોલમાં 93 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. ફોર્ટુઈને તેને રીઝા હેન્ડ્રીક્સના હાથે કેચ કરાવ્યો હતો. જોકે, કિશન આઉટ થયો ત્યાં સુધીમાં મેચમાં ભારતીય ટીમની પકડ ઘણી મજબૂત બની ગઈ હતી.કિશનના આઉટ થયા પછી, શ્રેયસ અય્યરે સંજુ સેમસન સાથે 73 રનની ભાગીદારી કરીને ભારતને 25 બોલમાં સાત વિકેટે જીત અપાવી હતી. જેના પગલે આ સીરીઝ 1-1થી બરાબર થઈ હતી.