વિરાટ સેનાનો વિદેશમાં ડંકો:સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત, આફ્રિકાને 113 રનથી હરાવ્યું; મેચમાં શમીએ 8 વિકેટ લીધી
સેન્ચુરિયનમાં ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. આ જીતની સાથે વિરાટ સેનાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આની સાથે ભારતે સૌથી વધુ ગ્રાઉન્ડમાં ટેસ્ટ જીતવાના રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ચોથી ઈનિંગમાં દ.આફ્રિકાની ટીમ તરફથી ડીન એલ્ગર 77 રન નોંધાવી ટોપ સ્કોરર રહ્યો હતો. તેના સિવાય કોઈપણ ખેલાડી ખાસ પ્રદર્શન દાખવી શક્યો નહોતો. વળી ઈન્ડિયન બોલર શમી અને બુમરાહે 3-3 વિકેટ લઈ આફ્રિકન બેટરની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી.
- વિરાટ કોહલી સેન્ચુરિયન ટેસ્ટ મેચ જીતનારો પહેલા એશિયન કેપ્ટન બની ગયો છે.
- સેન્ચુરિયનના મેદાનમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી જીત છે.
- કોહલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમે સતત ત્રીજી મેચ જીતી છે.
- આફ્રિકાને ઘરઆંગણે ભારતની આ સતત બીજી ટેસ્ટ જીતી છે. આની પહેલા 2018માં ટીમ જોહાનિસબર્ગમાં રમાયેલી મેચમાં 28 રનથી જીતી હતી.
કેપ્ટન એલ્ગરની શાનદાર ઈનિંગ પર બ્રેક વાગી
ડીન એલ્ગરે 156 બોલમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે તેને LBW આઉટ કર્યો હતો. જોકે એલ્ગરે અમ્પાયરના નિર્ણયને પડકાર્યો હતો પરંતુ રિપ્લેમાં સ્પષ્ટપણે બોલ હિટિંગ વિકેટ હોવાથી તેને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.
SAની છઠ્ઠી વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. તેણે ક્વિંટન ડિકોકને ક્લીન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો હતો. જેની બીજી જ ઓવરમાં શમીએ વિયાન મુલ્ડરની વિકેટ લઈ ઈન્ડિયન ટીમને જીત તરફ અગ્રેસર કરી દીધી છે.