T20 વર્લ્ડકપટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

IND vs PAK: બુમરાહ-પંડ્યાનો ચાલ્યો જાદુ! ભારતીય ટીમે પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું

  • ન્યુયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હરાવીને વર્લ્ડ કપની સતત બીજી મેચ જીતી 

ન્યુયોર્ક, 10 જૂન: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં 19મી શાનદાર મેચ ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવીને પાકિસ્તાનને હરાવ્યું હતું. મેચમાં પાકિસ્તાનને જીતવા માટે 120 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે સાત વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શક્યું હતું. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામેની આઠ મેચોમાં ભારતની આ સાતમી જીત હતી. વર્તમાન વર્લ્ડ કપમાં ભારતનો આ સતત બીજો વિજય હતો. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાનની આ સતત બીજી હાર હતી.

 

આ મેચમાં ભારતીય ટીમની જીતના હીરો જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા હતા, જેમણે બોલિંગથી સંપૂર્ણ રમતની દિશા બદલી નાખી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 72 રન હતો, પરંતુ તે પછી ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ પણ ફખર જમાન અને શાદાબ ખાનને આઉટ કરીને વાપસી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે પણ એક-એક વિકેટ લીધી હતી. અર્શદીપે જ મેચની છેલ્લી ઓવર ફેંકી હતી. જેમાં પાકિસ્તાનને 18 રન બનાવવા પડ્યા હતા.

ભારતે 30 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી

ભારતની વાત કરવામાં આવે તો, ઓપનિંગ જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અનુક્રમે 13 અને 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.અક્ષર પટેલના આઉટ થયા બાદ સૂર્યકમાર યાદવ અને રિષભ પંત વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી.  એક સમયે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 89 રન હતો અને એવું લાગી રહ્યું હતું કે, તે આ પીચ પર સારો સ્કોર બનાવવામાં સફળ થશે, પરંતુ પાકિસ્તાની બોલરોએ શાનદાર વાપસી કરી અને ભારતને સતત આંચકા આપ્યા. ભારતે 30 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતીય ટીમ માત્ર 19 ઓવર રમી શકી અને 119 રન બનાવ્યા. રિષભ પંતે સૌથી વધુ 42 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા સામેલ હતા. જ્યારે અક્ષર પટેલે 18 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા જ્યારે હરિસ રઉફ અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ આમિરને બે વિકેટ મળી હતી.

પાકિસ્તાન અમેરિકા જેવી નબળી ટીમ સામે હારી ગયું

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં ભારતની આ પ્રથમ મેચ હતી, જે તેણે 46 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. હવે સુકાની રોહિતે પાકિસ્તાન સામેની આ મેચમાં પણ એ જ મેચ વિનિંગ ટીમને મેદાનમાં ઉતારી છે.

બીજી તરફ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ઇમાદ વસીમને તેના પ્લેઇંગ-11માં એન્ટ્રી આપી હતી. જ્યારે આઝમ ખાનને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને અમેરિકાએ હરાવ્યું હતું. ઈજાના કારણે ઈમાદ તે મેચમાં રમી શક્યો ન હતો.

પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર 

T20 ઈન્ટરનેશનલમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી છે ત્યારે ચાહકોને રોમાંચક મેચ જોવા મળી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 9 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાનને 3માં સફળતા મળી છે. એક મેચ ટાઈ રહી હતી, જેમાં ભારતે બોલઆઉટમાં જીત મેળવી હતી.

આ પણ જુઓ: ‘તેલ લગાઓ ડાબર કા વિકેટ ગિરાઓ બાબર કા’ શા માટે ઋષભ પંત શરમાઈ ગયો? જુઓ વીડિયો

Back to top button