ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs PAK : ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનને બીજો ફટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર

Text To Speech

એશિયા કપ 2022 પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બ્લોકબસ્ટર મેચ રમાવાની છે. આ મેચ પહેલા જ પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ જુનિયર સાઇડ સ્ટ્રેઇનને કારણે એશિયા કપમાંથી બહાર થઇ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે પાકિસ્તાન ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. ટીમના મેડિકલ સ્ટાફ દ્વારા મોહમ્મદ વસીમ જુનિયરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પછી એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું. મેડિકલ ટીમ વસીમના પુનર્વસન પર નજર રાખશે અને ઈંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ પહેલા સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેના પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.

હસન અલી ટીમ સાથે જોડાશે

વધુમાં નિવેદન અનુસાર જાણવા મળ્યું હતું કે, ઝડપી બોલર હસન અલીને વસીમના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યો છે. હસન અલી છેલ્લા ત્રણ અઠવાડિયાથી નેશનલ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો છે અને હાલમાં તે રાવલપિંડીમાં છે. ETC હસનને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે મંજૂરી આપતાની સાથે જ તે UAE માટે રવાના થશે.

વસીમ જુનિયર શાનદાર ફોર્મમાં હતો

મોહમ્મદ વસીમ જુનિયરે આ મહિને ODIમાં નેધરલેન્ડ સામે છેલ્લી મેચ રમી હતી, જેમાં તેણે 36 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે જૂનમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે મેચમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. વસીમે અત્યાર સુધી કુલ 11 ટી – 20 મેચ રમી છે જેમાં તેણે 17 વિકેટ ઝડપી છે. એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનના પ્લેઈંગ-11માં તેને સ્થાન મળવું લગભગ નિશ્ચિત હતું.

શાહીન આફ્રિદી પણ આઉટ થયો હતો

મોહમ્મદ વસીમના થોડા દિવસો પહેલા ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પણ ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. શ્રીલંકા સામે ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શાહીનને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી સ્કેન રિપોર્ટ બાદ પીસીબીની મેડિકલ એડવાઈઝરી કમિટીએ શાહીન આફ્રિદીને 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી હતી. આફ્રિદીની જગ્યાએ મોહમ્મદ હસનૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

એશિયા કપ માટેની પાકિસ્તાનની ટીમ : બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હસનૈન, હસન અલી, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદીર.

Back to top button