IND vs NZ: પુણે ટેસ્ટમાં ભારતીય ટીમ 156 રનમાં ઓલઆઉટ, ન્યુઝીલેન્ડને 103 રનની લીડ મળી
- પ્રથમ દાવમાં પણ ભારતીય ટીમની ખૂબ જ નિરાશાજનક બેટિંગ રહી
પુણે, 25 ઓકટોબર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પુણેમાં રમાઈ રહી છે. જ્યાં પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાએ ખૂબ જ નિરાશાજનક બેટિંગ કરી અને 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પ્રથમ દાવના આધારે, ન્યુઝીલેન્ડની ટીમને 103 રનની લીડ મળી ગઈ છે, જે ખરેખર આ ટેસ્ટમાં તેને આગળ લઈ જઈ શકે છે.
Innings Break! #TeamIndia all out for 156.
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/K7ir5j4a6G
— BCCI (@BCCI) October 25, 2024
ભારતીય ટીમ 156 રને ઓલઆઉટ
ભારતીય ઇનિંગ્સની વાત કરવામાં આવે તો યજમાન ટીમને પહેલો ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો, જ્યારે ટિમ સાઉથીએ તેને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો હતો. ભારતની બીજી વિકેટ શુભમન ગિલના રૂપમાં મળી હતી અને ત્રીજી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી હતી.
યશસ્વી જયસ્વાલે પ્રયાસ કર્યો, પરંતુ તે પણ મોટો સ્કોર કરી શક્યો નહીં અને 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રિષભ પંત 18 રન બનાવીને આઉટ થયો હતો, સરફરાઝ ખાન 11 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિન 4 રન, આકાશ દીપ 6 રન બનાવીને આઉટ થયા હતા. તે જ સમયે, રવિન્દ્ર જાડેજા (38)એ ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર 18 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
મિશેલ સેન્ટનરે એકલા હાથે 7 વિકેટ ઝડપી
ભારતીય બેટ્સમેનો ન્યુઝીલેન્ડના સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મિશેલ સેન્ટનરે એકલા હાથે 7 વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ 1 અને ગ્લેન ફિલિપે 2 વિકેટ ઝડપી હતી. આ રીતે ભારતીય ટીમ 156 રને સમેટાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પુણે ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. હવે ભારતીય ટીમ 156ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હોવાથી પ્રથમ દાવના આધારે ન્યુઝીલેન્ડની ટીમ પાસે 103 રનની લીડ છે.
બોલરોએ પુનરાગમન કરવું પડશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ચોક્કસપણે કિવી ટીમ તરફ ઝૂકી રહી છે. જો કે હજુ એક ઇનિંગ્સ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયાએ વાપસી કરવી હોય તો ભારતીય બોલરોએ કમાન સંભાળવી પડશે.
જો ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડને ન્યૂનતમ સ્કોર પર ઓલઆઉટ કરી દેશે તો ચોથી ઇનિંગમાં ભારત પાસે લક્ષ્ય હશે જે હાંસલ કરી શકાશે. પરંતુ, જો કિવી બેટ્સમેનો બીજી ઈનિંગમાં મોટો સ્કોર બનાવી લે છે, તો ભારત માટે આ મેચમાં વાપસી કરવી મુશ્કેલ નહીં પરંતુ અસંભવ હશે.
આ પણ જૂઓ: ભારતીય બોલરની ચપળતાનો જોરદાર વીડિયો, જુઓ કેમ કીવી બેટ્સમેનને રનઆઉટ કરી