ઈન્દોરમાં રમાયેલી ODI શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય ટીમે 90 રને જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ મેચના હીરો બન્યા હતા. બંનેએ સદી ફટકારીને પ્રથમ વિકેટ માટે બેવડી સદીની ભાગીદારી કરી હતી, જેના કારણે કિવી બેટ્સમેનોને વાપસી કરવાની કોઈ તક મળી ન હતી. આ જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. આ સાથે ભારત ICC ODI રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાને આવી ગયું છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય તેની ટીમ માટે ઘણો ખરાબ સાબિત થયો. સિરીઝની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારનાર શુભમન ગિલે આ મેચમાં ફરી એકવાર બેટ વડે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 78 બોલનો સામનો કર્યા બાદ 112 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 13 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ પણ 85 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. હિટમેને 9 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 38 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેએ 100 બોલનો સામનો કર્યા બાદ 138 રનની ઇનિંગ રમી હતી. જોકે, અન્ય બેટ્સમેનોના સહકારના અભાવે તેની ટીમને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો