ભારતે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ સામે ભારતની આ સતત ચોથી T20I શ્રેણી જીત છે. એજબેસ્ટન ખાતે શનિવારે રમાયેલી બીજી T20માં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધુ 35 અને ડેવિડ વિલીએ અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ જ્યારે જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી.
2ND T20I. India Won by 49 Run(s) https://t.co/e1QU9hl9MM #ENGvIND
— BCCI (@BCCI) July 9, 2022
આ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 46 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની લાજ બચાવી હતી. ઋષભ પંતે રોહિત શર્મા સાથે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત અપાવી હતી, પરંતુ ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ગ્લેસને રોહિત (31), કોહલી (1) અને પંત (26)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને વાપસી કરાવી હતી.