ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ત્રીજી ટી-20માં ઈંગ્લેન્ડની ભારત સામે 17 રને જીત, ભારતે 2-1થી શ્રેણી જીતી

Text To Speech

ઈંગ્લેન્ડે નોટિંગહામમાં ત્રીજી T20Iમાં ભારતને 17 રને હરાવ્યું. આ હાર છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. 216 રનના ટાર્ગેટનો પીછો કરતા સૂર્યકુમાર યાદવે ભારત માટે સદી ફટકારી હતી, પરંતુ તે અન્ય ખેલાડીઓનો સાથ મળ્યો નહોતો. સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો 5મો ખેલાડી બની ગયો છે. તેમના પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ અને દીપક હુડ્ડા આ કારનામું કરી ચુક્યા છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ડેવિડ મલનના 77 રનની મદદથી 215 રન બનાવ્યા હતા.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી, પંત 1 પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા 11-11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યર સાથે ચોથી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. અય્યર આઉટ થતાની સાથે જ બીજા છેડેથી વિકેટો પડતી રહી અને સદી કરનાર સૂર્યકુમાર યાદવ જોતો જ રહ્યો. છેલ્લી બે ઓવરમાં તે એટલા દબાણમાં આવી ગયો કે મોટો શોટ રમવાના પ્રયાસમાં તે 117ના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો. ટીમ ઈન્ડિયા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 198 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ટોપલેએ ત્રણ વિકેટ ઝડપી હતી.

રોહિત શર્માની જીતનો સિલસિલો પણ ભારતની હાર સાથે સમાપ્ત થઈ ગયો. આ પહેલા સતત 19 મેચ જીતનાર રોહિત પોન્ટિંગના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયો હતો. ઇંગ્લેન્ડની ઇનિંગ્સની વાત કરીએ તો ડેવિડ મલાન (77)ની વિસ્ફોટક અડધી સદી અને લિયામ લિવગ્સ્ટેઇનના અણનમ 42 રનની મદદથી ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 215 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોય અને કેપ્ટન જોસ બટલરે ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીનો પૂરો ફાયદો ઉઠાવીને ઈંગ્લેન્ડને 31 રનની સારી શરૂઆત અપાવી હતી.

Back to top button