ભારતે ઓવલ ખાતેની પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાનો આ જીતનો હીરો હતો જસપ્રીત બુમરાહ, જેણે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને 7.2 ઓવરમાં 19 રન આપીને 6 વિકેટ લીધી. બુમરાહના આ શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયા યજમાન ટીમને 110 રનમાં આઉટ કરવામાં સફળ રહી હતી. ભારત સામે વનડે ક્રિકેટમાં આ ઈંગ્લેન્ડનો સૌથી ઓછો સ્કોર છે. 111 રનના ટાર્ગેટને રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ 18.4 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. આ દરમિયાન રોહિતે 58 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી જ્યારે ધવને 31 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સીરિઝની બીજી મેચ 14 જુલાઈએ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર રમાવાની છે.
A clinical performance from #TeamIndia to beat England by 10 wickets ????????
We go 1️⃣-0️⃣ up in the series ????
Scorecard ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/zpdix7PmTf
— BCCI (@BCCI) July 12, 2022
પીચ પર ઘાસ જોઈને ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને બુમરાહની આગેવાની હેઠળના ભારતીય ઝડપી બોલરોએ તેને સાચો સાબિત કર્યો. આ દરમિયાન બુમરાહ ઈંગ્લેન્ડમાં વનડેમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો હતો. ભારત સામે ઈંગ્લેન્ડનો આ સૌથી ઓછો સ્કોર પણ છે. બોલ સારી સ્વિંગ અને સીમ લઈ રહ્યો હતો જેના કારણે બુમરાહ અને મોહમ્મદ શમી વધુ ખતરનાક દેખાઈ રહ્યા હતા. શમીએ સાત ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
બુમરાહના આઉટગોઇંગ બોલ સાથે ટેમ્પર કરવાના પ્રયાસમાં જેસન રોય (0) પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. બે બોલ પછી, ફોર્મમાં રહેલા જો રૂટ (0) બીજા ઇનસ્વિંગરની રાહ જોઈ રહ્યો હતો પરંતુ બુમરાહનો બોલ ઑફ-સ્ટમ્પની બહારથી ઉછળ્યો અને વિકેટકીપર રિષભ પંતે એક સરળ કેચ લીધો. બીજા છેડેથી શમીએ બેન સ્ટોક્સને ખાતું પણ ખોલવા દીધું ન હતું. પંતે એક હાથે તેનો દેખીતો કેચ લીધો. પંતે પણ એ જ રીતે જોની બેરસ્ટોનો કેચ લીધો, જે સાત રન બનાવીને બુમરાહનો ત્રીજો શિકાર બન્યો.
જ્યારે લિયામ લિવિંગ્સ્ટન (0) પેવેલિયન પરત ફર્યો ત્યારે બુમરાહે ઝડપથી ઇંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટે 26 સુધી ઘટાડી દીધો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 32 બોલમાં સૌથી વધુ 30 રન બનાવ્યા પરંતુ બીજા છેડેથી વિકેટો પડતી રહી. શમીએ શોર્ટ બોલ નાખ્યો અને બટલરને ખરાબ શોટ રમવા માટે મજબૂર કર્યો, જે ડીપ સ્ક્વેર લેગ પર કેચ થયા બાદ પાછો ફર્યો.આ સમયે ઈંગ્લેન્ડનો સ્કોર સાત વિકેટે 59 રન હતો.