સ્પોર્ટસ

IND vs ENG : ચોથા દિવસની રમત સમાપ્ત, ઈંગ્લેન્ડનો સ્કોર 259/3, જીતથી માત્ર 119 રન દૂર

Text To Speech

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી 5મી રિશેડ્યૂલ ટેસ્ટના ત્રીજા દિવસ સુધી ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ ચોથા દિવસે ઈંગ્લિશ ટીમે જોરદાર વાપસી કરીને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે જીત માટે 378 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 3 વિકેટના નુકસાને 259 રન બનાવ્યા હતા. અંતિમ દિવસે હવે યજમાન ટીમને માત્ર 119 રનની જરૂર છે અને તેના હાથમાં 7 વિકેટ બાકી છે. આ દરમિયાન રૂટે 76 અને બેયરસ્ટોએ 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને ખેલાડીઓ વચ્ચે 150 રનની ભાગીદારી છે.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ મેચ જીતવાના ઈરાદા સાથે ઉતરી હતી. એલેક્સ લીગે (56) અને જેક ક્રોલી (46)એ ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 107 રન જોડ્યા. કેપ્ટન જસપ્રિત બુમરાહે ક્રાઉલીને બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા મેળવી. ટી બ્રેક બાદ બુમરાહે ખાતુ ખોલાવ્યા વગર પોપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સેટ બેટ્સમેન લીગે રન આઉટ થતાં સતત બે વિકેટ પડી જતાં ઇંગ્લેન્ડ મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું. ભારતે સતત ત્રણ વિકેટ લીધા બાદ વાપસી કરી હતી પરંતુ રૂટ અને બેયરસ્ટોની ભાગીદારીએ તેમને બેકફૂટ પર ધકેલી દીધા હતા.

ભારતે ચોથા દિવસની શરૂઆત 125 રનથી કરી હતી. દિવસની શરૂઆતમાં જ ઋષભ પંતે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. પુજારા (66) અને પંત (57)ના આઉટ થયા બાદ ટીમ પત્તાની જેમ પડી ભાંગી હતી. ભારતનો બીજો દાવ 245 રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડ તરફથી આ સમયગાળા દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

Back to top button