IND vs ENG: ભારતીય ટીમને મોટો ફટકો, વિરાટ કોહલી આગામી બે ટેસ્ટ પણ નહીં રમે!
- ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે મેચમાં વિરાટ આરામ પર રહ્યો
- પ્રથમ બે મેચ બાદ સિરીઝ હાલમાં 1-1થી બરાબર
- વિરાટ કોહલી હજી પણ શ્રેણીની આગામી બે ટેસ્ટ મેચમાંથી બહાર રહી શકે છે
IND vs ENG, 7 ફેબ્રુઆરી: ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહેલી ભારતીય ટીમને હજી વિરાટની વધારે રાહ જોવી પડી શકે છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે મેચમાં વિરાટે ન રમવાની જાહેરાત બાદ ફરી એક વાર વિરાટનો બ્રેક લંબાવાની શક્યતા વધી ગઈ છે. તેના કારણે ભારતીય ટીમને મોટો ફટકો પડી શકે છે. વિરાટ કોહલી શ્રેણીની આગામી બે ટેસ્ટ મેચમાંથી પણ બહાર રહી શકે છે.
ESPNcricinfoએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. તેમના મતે કોહલી વ્યક્તિગત કારણોસર ફરી એકવાર આગામી બે મેચમાંથી બહાર રહેશે. પ્રથમ બે મેચ બાદ સીરીઝ હાલમાં 1-1 થી બરાબર છે.
કોહલી શ્રેણીની છેલ્લી મેચ રમશે
જ્યારે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની છેલ્લી 3 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ રાજકોટમાં યોજાશે. આ પછી ચોથી મેચ રાંચીમાં રમાવાની છે. શ્રેણીની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી રમાશે. આ મેચ ધર્મશાલામાં યોજાવાની છે. અહેવાલો અનુસાર, કોહલી આ છેલ્લી મેચમાં વાપસી કરી શકે છે.
અંગત કારણોસર પ્રથમ 2 મેચ પણ રમી શક્યા નથી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી રમાઈ હતી. આના માત્ર 3 દિવસ પહેલા એટલે કે 22 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કહ્યું હતું કે કોહલી અંગત કારણોસર આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં નહીં રમે. ત્યારબાદ કોહલી પ્રથમ ટેસ્ટ રમવા હૈદરાબાદ પહોંચ્યો અને ભારતીય ટીમ સાથે જોડાયો, પરંતુ તે થોડા સમય પછી પાછો ફર્યો. તે સમયે BCCIએ કોહલીની ગેરહાજરી અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. ચાહકોએ કોઈ કોમેન્ટ ન કરવી જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શું અંડર 19 વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન સાથે થશે ?