IND vs BAN: ત્રીજી T20 મેચમાં જીતી, બાંગ્લાદેશ સામે ભારતની ક્લીન સ્વીપ
હૈદરાબાદ, 12 ઑક્ટોબર, 2024: બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં ભારતે ક્લીન સ્વીપ કરી છે. ટીમ ઈન્ડિયાએ તેની હરીફ ટીમને ટી-20ના ત્રણે મુકાબલામાં હરાવી દીધી છે. ભારતીય ટીમે ત્રીજી મેચ 133 રને જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને શાનદાર ઈનિંગ રમી હતી અને 111 રન બનાવ્યા હતા. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 297 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 164 રન જ બનાવી શકી હતી.
ભારતીય ટીમે આપેલા 298 રનના મુશ્કેલ લક્ષ્યાંક્ષ સાથે બેટિંગમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ માટે પ્રારંભથી જ મુશ્કેલીની શરૂઆત થઈ ગઈ હતી. બાંગ્લાદેશનો ઓપનિંગ બેટર પરવેજ હુસેન મયંકના પહેલા જ બોલે આઉટ થઈને પેવેલિયનમાં પરત આવી ગયો હતો. ત્યારબાદ તંજીદ હસન પણ 12 બોલમાં માત્ર 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ 11 બોલમાં 14 રન બનાવ્યા હતા. તો લિટન દાસ પણ 25 બોલમાં 42 રન બનાવી આઉટ થઈ ગયો હતો. આ મેચમાં ભારત તરફથી રવિ બિશ્નોઈએ ત્રણ, મયંક યાદવે બે, વૉશિંગ્ટને અને નીતિશે એક-એક વિકેટ ઝડપી હતી.
તે અગાઉ પહેલાં બેટિંગ કરતા ભારતે છ વિકેટ ગુમાવીને 297 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો આ સર્વોચ્ચ સ્કોર હતો. જ્યારે ટી-20ના ઇતિહાસનો આ બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર છે. ભારતીય ટીમે 2019માં દહેરાદુનમાં આયર્લેન્ડ વિરદ્ધ પાંચ વિકેટે 278 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ