IND vs BAN TEST : ભારતે બાંગ્લાદેશને 188 રને હરાવ્યું , શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી લીધી છે. ભારતે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 188 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારત તરફથી ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો : ભારતે જીત્યો T20 વર્લ્ડ કપ, બાંગ્લાદેશને હરાવી રચ્યો ઈતિહાસ
Axar Patel wraps up Bangladesh as India seal an emphatic win in Chattogram.#BANvIND | #WTC23 | ???? https://t.co/ym1utFHW3S pic.twitter.com/B4utY6wPy6
— ICC (@ICC) December 18, 2022
બાંગ્લાદેશે બીજા દાવમાં 324 રન બનાવ્યા
બાંગ્લાદેશની બીજી ઈનિંગ્સ 324 રનમાં સમેટાઈ ગઈ હતી. અક્ષર પટેલે મેચની છેલ્લી વિકેટ લઈ બાંગ્લાદેશની ઈનિંગ પૂર્ણ કરી હતી. આ સાથે ભારતે આ મેચ 188 રનના મોટા અંતરથી જીતી લીધી છે. બાંગ્લાદેશમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને આ મેચ જીતવી જરૂરી હતી અને આ જીત સાથે જ ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ તરફ એક પગલું ભર્યું છે. હવે ભારતે તેની બાકીની પાંચમાંથી ચાર ટેસ્ટ જીતવી પડશે.
સમગ્ર મેચમાં શું બન્યું ?
ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. ભારતની પહેલી ઈનિંગમાં પૂજારાએ 90 રન, શ્રેયસ ઐયરે 86 રન અને રવિચંદ્રન અશ્વિને 58 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઋષભ પંત અને કુલદીપે પણ સારું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામ અને મેહદી હસન મિરાજે 4-4 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગ સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 150 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 28 અને મેહદી હસને 25 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી.
બીજી ઈનિંગ્સમાં શું બન્યું ?
ત્યારબાદ બીજી ઈનિંગ્સમાં ભારતે શુભમન ગિલના 110 અને ચેતેશ્વર પૂજારાના 102 રનની મદદથી બીજા દાવમાં 2 વિકેટે 258 રન બનાવ્યા હતા. પુજારાની સદી સાથે કેપ્ટન રાહુલે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. બીજા દાવમાં બાંગ્લાદેશના ખાલેદ અહેમદ અને મેહદી હસને 1-1 વિકેટ લીધી હતી. ભારતે કુલ 512 રન સાથે તેનો બીજો દાવ ડિકલેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 513 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 324 રન જ બનાવી શકી હતી અને 188 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ડેબ્યુ કરનાર ઝાકિર હસને 100 રન સાથે સદી પૂરી કરી હતી. આ ઉપરાંત શાકિબે 84 રન અને શાંતોએ 67 રન બનાવ્યા હતા. જેની સામે ભારત તરફથી અક્ષર પટેલે 4 અને કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. અન્ય તમામ બોલરોને 1-1 વિકેટ મળી હતી.