ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs BAN TEST : પહેલા દિવસનાં અંતે ભારત 278/6, પૂજારા સદી ચૂક્યો

Text To Speech

બાંગ્લાદેશના ચિત્તાગોંગ ખાતે રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચનો પહેલો દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતાં છ વિકેટના નુકસાને 278 રન બનાવ્યા છે. પ્રથમ દિવસનાં અંતે ભારત તરફથી શ્રેયસ અય્યર 82 રન પર અણનમ રમી રહ્યો છે. ત્યારે ચેતેશ્વર પૂજારા 90 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે 3 અને મેંહદી હસને 2 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : ક્રિકેટના દરેક ફોર્મેટમાં મળી શકે છે અલગ કેપ્ટન, BCCI કરી રહી છે વિચારણા

કેવો રહ્યો પહેલા દિવસ ?

ભારતીય કેપ્ટન લોકેશ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી ઓપનિંગ કરતા રાહુલ અને ગિલે સાથે મળીને સારી શરૂઆત આપી હતી. જોકે, ગિલ 20 રન બનાવીને આઉટ થયો હતો. તે સમયે ટીમનો સ્કોર 41 રન હતો. ગિલ પેવેલિયન પરત ફરતાની સાથે જ કેપ્ટન રાહુલ અને વિરાટ કોહલી પણ તરત આઉટ થઈ ગયા હતા. ભારતીય ટીમ 48 રનમાં ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ પછી પંત અને પૂજારાએ ભારતની ઈનિંગને સંભાળી હતી, બંનેએ ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી અને આ પછી ઋષભ પંત 46 રન બનાવીને આઉટ થયો હતો.

પૂજારા સદી ચૂક્યો

ત્યારબાદ ચેતેશ્વર પૂજારાએ શ્રેયસ ઐયર સાથે મળીને ઈનિંગને આગળ વધારી હતી. બંનેએ શાનદાર બેટિંગ કરી અને પોતપોતાની અડધી સદી પૂરી કરી હતી. જો કે, પૂજારા દિવસના અંતે તેની સદી ચૂક્યો હતો. તેણે 90 રનની ઇનિંગ રમી આઉટ થયો હતો. આ પછી અક્ષર પટેલે શ્રેયસ સાથે મળીને 19 રન જોડ્યા, પરંતુ તે પણ દિવસના છેલ્લા બોલે આઉટ થઈ ગયો. હવે શ્રેયસ અય્યર ક્રિઝ પર અણનમ ઉભો છે. ભારત તરફથી હજી રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવની બેટિંગ બાકી છે.

Back to top button