IND vs BAN TEST : બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કેપ્ટન કે એલ રાહુલ !
ભારતે મીરપુરમાં બાંગ્લાદેશ સામે શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે પરંતુ તેની નજર આગામી મેચ જીતવા અને બાંગ્લાદેશને સ્વીપ કરવા પર ટકેલી છે. ભારતીય ટીમના આ ઇરાદા અને તેના માટે જરૂરી આયોજન વચ્ચે ટીમનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે, જેણે ભારતીય ટીમની ચિંતા વધારી છે.
આ પણ વાંચો : WTCની રેસમાંથી બહાર થતાં પાકિસ્તાન પર ઉઠ્યા સવાલ: જાણો શું છે ભારતને ફાઇનલમાં પહોંચવાના સમીકરણ
કેએલ રાહુલની ઈજાએ ચિંતા વધારી
નેટ્સ પર બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન કેએલ રાહુલના હાથ પર બોલ વાગ્યો હતો. શ્રેણીની બીજી ટેસ્ટની શરૂઆતના એક દિવસ પહેલા તેને આ ઈજા થઈ હતી. જોકે ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોરે સંકેત આપ્યો હતો કે રાહુલની ઈજા ગંભીર નથી, પરંતુ તેણે પુષ્ટિ કરી નથી કે તે આગામી મેચમાં મેદાનમાં ઉતરશે કે કેમ, તે હજી નક્કી નથી. રાઠોરે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “રાહુલ અત્યાર સુધી સારો દેખાવ કરી રહ્યો છે. આશા છે કે તે સ્વસ્થ થઈ જશે. ડોકટરો તેની ઈજાની તપાસ કરી રહ્યા છે, પરંતુ તેની સાજા થવાની અપેક્ષા છે.”
રાઠોડના બોલથી રાહુલને ઈજા થઈ હતી
ખાસ વાત એ છે કે કેએલ રાહુલને આ ઈજા નેટ સેશનની છેલ્લી ક્ષણોમાં થઈ હતી જ્યારે અન્ય કોઈ નહીં પરંતુ બેટિંગ કોચ વિક્રમ રાઠોરે પોતે પ્રેક્ટિસ માટે તેને બોલિંગ કરાવી રહ્યા હતા. આ પછી રાહુલ તેના ઇજાગ્રસ્ત વિસ્તારને ઘસતો જોવા મળ્યો હતો અને બાદમાં ટીમના ડોક્ટરે તેને તપાસવાનું શરૂ કર્યું હતું.
કોણ બની શકે છે કેપ્ટન ?
ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે ચટ્ટોગ્રામમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ રમી શક્યો નથી. અંગૂઠાની ઈજા સાજા ન થવાને કારણે તે મીરપુરમાં યોજાનારી બીજી મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. આ સ્થિતિમાં રાહુલને ટેસ્ટ શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો રાહુલ ગુરુવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ ન હોય તો તેના સ્થાને ટીમના વાઇસ કેપ્ટન ચેતેશ્વર પૂજારાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તે જ સમયે, ટોપ ઓર્ડરમાં રાહુલની ગેરહાજરીમાં અભિમન્યુ ઇશ્વરનને તક મળી શકે છે. રોહિતના સ્ટેન્ડબાય તરીકે ઇશ્વરનને ટીમમાં જગ્યા આપવામાં આવી હતી.