હિન્દુ મહાસભાના બંધના એલાન વચ્ચે દોઢ દાયકા બાદ આ મેદાનમાં રમાશે IND vs BAN T20 ઈન્ટરનેશનલ મેચ
ગ્વાલિયર, 4 ઓક્ટોબર : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન થવાનું છે. આ પહેલા શહેરમાં કલમ 163 લાગુ હતી. હિન્દુ મહાસભાએ બંધનું એલાન આપ્યું છે. ચાહકો રવિવારે (6 ઓક્ટોબર) ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 મેચમાં રનના વરસાદની અપેક્ષા રાખી શકે છે. નવનિર્મિત શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરશે.
હાઈ-સ્કોરિંગ મેચ રહેવાની અપેક્ષા
મધ્ય પ્રદેશ લીગ (એમપીએલ)ની પ્રથમ સિઝનના સ્કોર્સ પર નજર નાખતા, ભારત-બાંગ્લાદેશ ટી20 હાઈ-સ્કોરિંગ મેચ હોવાની અપેક્ષા છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, જૂનમાં અહીં રમાયેલી 12 મેચોમાં, ટીમોએ 200નો આંકડો ચાર વખત વટાવી દીધો હતો. અહીંની પિચો બેટ્સમેનો માટે મદદરૂપ રહી છે અને રવિવારે પણ તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
આ પણ વાંચો :- તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે કરી SITની રચના, આ 5 અધિકારી કરશે તપાસ
MPL ફાઇનલમાં માલવા પેન્થર્સે ગ્વાલિયર ચિતાઝ સામે 193 રનનો ટાર્ગેટ એક બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત જબલપુર લાયન્સે 4 વિકેટે 249 રન બનાવીને કરી હતી. જવાબમાં ભોપાલ લેપર્ડ્સે 216 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન, પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 171 રન હતો અને બીજી ઈનિંગનો 150 રન હતો. સરેરાશ સ્કોર ઘટ્યો કારણ કે ત્રણ કે ચાર મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી એવું અધિકારીએ કહ્યું હતું.
નેટ પ્રેક્ટિસમાં શું જોવા મળ્યું?
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ગ્વાલિયરમાં પોતાના પ્રથમ નેટ સેશન દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે સમય વિતાવ્યો હતો. તે પંડ્યાના રન-અપ પર કામ કરી રહ્યો હતો, ખાસ કરીને જ્યારે પંડ્યા તેની બોલિંગ એક્શનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પંડ્યા સ્ટમ્પની નજીક બોલિંગ કરવાને કારણે મોર્કેલ નાખુશ જણાતો હતો.
ગ્વાલિયરમાં કલમ 163 લાગુ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કથિત અત્યાચારના વિરોધમાં હિન્દુ મહાસભાએ મેચના દિવસે ગ્વાલિયર બંધનું આહ્વાન કર્યું છે. તેનો સામનો કરવા માટે ગ્વાલિયર જિલ્લા મેજિસ્ટ્રેટ રૂચિકા સિંહે સોમવાર (7 ઓક્ટોબર) સુધી કલમ 163 લાગુ કરી છે અને ગ્વાલિયર પોલીસે હિંદુ મહાસભાના ઓછામાં ઓછા 30 સભ્યોની ધરપકડ કરી છે. આ રીતે, પાંચ કે તેથી વધુ લોકો ક્યાંય ભેગા થઈ શકતા નથી. તેમજ વહીવટીતંત્રની પરવાનગી વિના સરઘસ, પ્રદર્શન કે જાહેર સભાઓ યોજી શકાશે નહીં. હિન્દુ મહાસભાએ બુધવારે પણ વિરોધ કર્યો હતો, જે દિવસે બંને ટીમો શહેરમાં પહોંચી હતી.